
મહાનગરપાલિકાની પેથાપુર ટીપી 41ને સુધારા વધારા સાથે સરકારની મંજૂરી મળી ગઇ છે પરંતુ તે સાથેની અન્ય બે ટીપી સ્કીમો સમય મર્યાદા વીતી ગયા પછી મોકલવામાં આવી હોવાથી તેને પરત મોકલવામાં આવી છે. એકાદ મહિનામાં જરૂરી પ્રક્રિયાઓ અનુસર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા ફરી આ બંને ટીપીની દરખાસ્તો સરકારમાં મોકલવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પેથાપુરમાં તૈયાર કરવામાં આવેલી ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 41ને સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે, અને તેમાં મહત્વના સુધારા વધારા પણ સૂચવવામાં આવ્યા છે. બીજીતરફ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2023માં તૈયાર કરવામાં આવેલી વાવોલ અને કોલવડા ગામના સર્વે નંબરોને આવરી લેતી વાવોલ- કોલવડા ટીપી સ્કીમ નં. 34 અને વાવોલ- ઉવારસદ ટીપી સ્કીમ નં. 35ને સરકાર દ્વારા પરત મોકલવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા આ બંને ટીપી સ્કીમમાં નોટિફિકેશન અને વાંધા સૂચન મેળવવામાં એક મહિનાનો વિલંબ થયો હોવાના કારણોસર શહેરી વિકાસ વિભાગ દ્વારા તેને પરત કરવામાં આવી છે. આગામી એક મહિનામાં મહાનગરપાલિકા દ્વારા ફરીથી આ મામલે નોટિફિકેશન બહાર પાડીને ખેડૂતોના વાંધા સૂચન મેળવ્યા બાદ તે અંગેની જરૂરી પૂર્તતા કરીને સરકારમાં પરત મંજૂરી માટે મોકલવામાં આવનાર છે.