
ન્યૂ ગાંધીનગરના રાયસણમાં રહેતા અને મૂળ પોરબંદરના રહેવાસી વિકલાંગ યુવકે પોતાના ધંધાર્થે વ્યાજખોર પાસેથી 10 ટકાના વ્યાજે 3 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ બે ભાઇઓએ મળીને 3 લાખની સામે 70 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવા છતાં યુવક પાસે રૂપિયાની માગણી કરાતી હતી. જો રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે ઇન્ફોસિટી પોલીસ મથકમાં વ્યાજખોર ભાઇઓ સામે ગુનો નોંધાવ્યો છે.
રાયસણમાં આવેલી શરણમ સ્કાયવ્યુમાં રહેતા અને મૂળ પોરબંદરના વતની 37 વર્ષીય સુભાષ જટાશંકાર જોશી હાલમાં ઘરેથી લોન કન્સલ્ટન્સનો ધંધો કરે છે. ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી છેકે, વર્ષ એપ્રિલ 2010માં કોમ્પ્યુટર ક્લાસ ચલાવતા હતા. તે સમયે તેમને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા પોરબંદરમાં તેમના ક્લાસીસની સામે આવેલી શ્રદ્ધા ફાઇનાન્સ ચલાવતા રામભાઇ માલદેવભાઇ ઓડેદરા (રહે, ભુતિયા ચોક, પોરબંદર) પાસેથી 10 ટકાના વ્યાજે 3 લાખ રૂપિયા લીધા હતા. રકમની સામે નિયમિત વ્યાજ ચૂકવતા હતા, પરંતુ જો વ્યાજ ચૂકવવામાં વિલંબ થાય, તો અઠવાડિયા દીઠ 10 ટકા પેનલ્ટી લગાવતા હતા.
જ્યારે વર્ષ 2019માં રામભાઇના નાના ભાઇ દિલીપભાઈ ઓડેદરા ગાંધીનગર રહેવા આવવાના હોવાથી ભાડેથી મકાન શોધી આપ્યુ હતુ અને તે ભાડુ પણ યુવક પાસેથી ચૂકવણી કરાવતા હતા. છતા વ્યાજ માંગતા રામભાઇએ, દિલીપભાઇ પાસેથી સુભાષ જોશીને 5 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જો કે, આ રૂપિયા પર પણ દિલીપભાઈએ અઠવાડિયાના 10 ટકા લેખે વ્યાજ માંગવાનું શરૂ કર્યું હતું અને ન ચૂકવતા ધમકીઓ આપી હતી.
બંને ભાઈઓએ સુભાષ પાસેથી કુલ 6 કોરા ચેક પણ સિક્યુરિટી પેટે લીધા હતા. 70 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી હોવા છતા ધમકીઓ આપતા હતા. જેથી ગભરાઈને સુભાષ જોશીએ 25 જુલાઈના રોજ પોતાનું ઘર છોડી દીધું હતું. ત્યારબાદ વ્યાજખોર ભાઇઓ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુજરાત નાણાધિરનાર અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.