
ભારત અને પાકિસ્તાનના નૌકાદળો સોમવારે અરબ સાગરમાં એક જ સમયે યુદ્ધાભ્યાસ કરશે. આ ડ્રિલ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે બંને દેશોના કયા યુદ્ધ જહાજો આ યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે.
ડિફેન્સ સૂત્રોએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો 11-12 ઓગસ્ટના રોજ અરબ સાગરમાં અભ્યાસ કરશે. બંને દેશોએ અરબ સાગરમાં પોતપોતાની સરહદોની અંદર કવાયત માટે નોટિસ ટું એરમેન (NOTAM) જારી કરી છે. 7 મેના રોજ ઓપરેશન સિંદૂર પછી આ પહેલી વાર છે જ્યારે બંને દેશો પોતપોતાના વિસ્તારોમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. 7 મેના રોજ, મોડી રાત્રે 1.30 વાગ્યે, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. સેનાએ કહ્યું હતું કે આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું હેડક્વાર્ટક અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનું ઠેકાણું સામેલ હતું. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. જોકે 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા હતા, પરંતુ તણાવની સ્થિતિ હજુ પણ યથાવત છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન, 1 મેના રોજ, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુરતને પહેલી વાર સુરતના હજીરા બંદર પર તહેનાત કરવામાં આવ્યું હતું. અહીં નેતાઓ અને નૌકાદળના અધિકારીઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો હતો કે ભારતીય નૌકાદળે તેના તમામ યુદ્ધ જહાજોને એલર્ટ પર રાખ્યા છે. અરબ સાગરમાં એન્ટી-શિપ અને એન્ટી-એરક્રાફ્ટ ફાયરિંગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત નજીક કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળે અરબ સાગરમાં પોતાના યુદ્ધ જહાજોમાંથી અનેક મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. નૌકાદળે કહ્યું કે તે દિવસ-રાત દેશની રક્ષા કરવા માટે તૈયાર છે. આપણે સમુદ્રમાં ગમે ત્યાં કોઈપણ ખતરાનો સરળતાથી સામનો કરી શકીએ છીએ.
નૌકાદળે INS સુરતથી મિસાઈલનું પરીક્ષણ કર્યું. નૌકાદળે સમુદ્રમાં તરતા એક નાના લક્ષ્યને નષ્ટ કરી દીધું. ગુજરાતના સુરતમાં દમણ સી ફેસ પર INS સુરત તહેનાત છે. આ યુદ્ધ જહાજ 164 મીટર લાંબુ છે અને તેનું વજન 7,400 ટન છે. તેની મહત્તમ ગતિ 30 નોટ (લગભગ 56 કિમી/કલાક) છે. તે અત્યાધુનિક શસ્ત્રો – બ્રહ્મોસ અને બરાક-8 મિસાઈલ અને AI આધારિત સેન્સર સિસ્ટમથી સજ્જ છે. ભારતીય નૌકાદળના બે આધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ યુદ્ધ જહાજો – ઉદયગિરી (F35) અને હિમગિરી (F34) 26 ઓગસ્ટના રોજ એક સાથે નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. આ પહેલી વાર બનશે કે દેશના બે મુખ્ય શિપયાર્ડમાંથી બે મોટા યુદ્ધ જહાજો એકસાથે બનાવવામાં આવશે અને કાર્યરત કરવામાં આવશે. તેમના સમાવેશ સમારોહ વિશાખાપટ્ટનમમાં યોજાશે. ઉદયગિરીનું નિર્માણ મુંબઈના માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું છે અને 1 જુલાઈના રોજ નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. હિમગિરીનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે. બંને યુદ્ધ જહાજો પ્રોજેક્ટ 17A (P17A) હેઠળ બનાવવામાં આવ્યા છે.