
ચેન્નઈ
તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2455નું રવિવારે રાત્રે ચેન્નઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઈન્સે આ માટે ટેક્નિકલ ખામી અને ખરાબ હવામાનને કારણ ગણાવ્યું હતું. વિમાનમાં હાજર કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે લખ્યું – જ્યારે ચેન્નાઈમાં ઇમર્જન્સી લેન્ડિંગની પહેલી કોશિશ કરવામાં આવી ત્યારે બીજું વિમાન સામે ઊભું હતું. પાઇલટે વિમાનને ફરી હવામાં લઈ લીધું અને બીજી કોશિશમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું. વિમાનમાં ઘણા સાંસદો અને અન્ય ઘણા મુસાફરો સવાર હતા. ફ્લાઇટ અકસ્માતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. જોકે એર ઇન્ડિયાએ બીજા વિમાનની હાજરીનો ઇનકાર કર્યો છે. એર ટ્રાફિક ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડાર 24 અનુસાર, ફ્લાઇટ 8:17 વાગ્યે ઉડાન ભરી હતી. તે 10:45 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું.
કેસી વેણુગોપાલે X પોસ્ટમાં આખી ઘટના જણાવી જેમાં તેમણે જણાવ્યું કે,”તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2455, જેમાં હું, ઘણા સાંસદો અને સેંકડો મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, આજે આ ફ્લાઇટ અકસ્માતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. ફ્લાઇટ શરૂઆતમાં થોડી લેટ હતી. ટેકઓફ કર્યાના થોડા સમય પછી, જોરદાર આંચકા (ટર્બ્યુલન્સ) આવ્યા. લગભગ એક કલાક પછી, કેપ્ટને જાણ કરી કે ફ્લાઇટમાં સિગ્નલ સમસ્યા છે અને તેને ચેન્નાઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી રહી છે. અમે લગભગ બે કલાક સુધી ચેન્નાઈ એરપોર્ટ ઉપર ચક્કર લગાવતા રહ્યા. લેન્ડિંગના પહેલા પ્રયાસમાં એક ભયાનક ક્ષણ આવી, જ્યારે ખબર પડી કે રનવે પર બીજું વિમાન છે. કેપ્ટને તરત જ વિમાન હવામાં પાછું ખેંચી લીધું, જેનાથી બધાના જીવ બચી ગયા. બીજા પ્રયાસમાં ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ. પાઇલટની સમજણનાં કારણે અમે બચી ગયા. મુસાફરોની સલામતી ભાગ્ય પર છોડી શકાતી નથી. હું DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવા, જવાબદારી નક્કી કરવા અને ખાતરી કરવા વિનંતી કરું છું કે આવી ભૂલ ફરી ક્યારેય ન થાય.
એર ઇન્ડિયાએ કેસી વેણુગોપાલની એક્સ પરની પોસ્ટના જવાબમાં લખ્યું – અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ફ્લાઇટને ચેન્નાઈ તરફ વાળવાનો નિર્ણય સાવચેતી તરીકે લેવામાં આવ્યો હતો. કારણ કે વિમાનમાં ટેકનિકલ સમસ્યા હતી અને ખરાબ હવામાન હતું. ચેન્નાઈ એરપોર્ટ પર પ્રથમ લેન્ડિંગ પ્રયાસ દરમિયાન, ચેન્નાઈ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ ગો-અરાઉન્ડની સૂચના આપી હતી. આ કોઈ અન્ય વિમાન રનવે પર હોવાને કારણે નહોતું. 19 જુલાઈના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટે ટેકઓફ કર્યાના માત્ર 16 મિનિટ બાદ હૈદરાબાદ પાછી ફરી હતી. બોઇંગ 737 મેક્સ 8 IX110 વિમાને હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી સવારે 6:40 વાગ્યે ઉડાન ભરી હતી. ફ્લાઇટ સવારે 11:45 વાગ્યે થાઇલેન્ડના ફુકેટમાં લેન્ડ થવાની હતી. જોકે, ટેકઓફ કર્યાના થોડા સમય પછી, પાઇલટ ફ્લાઇટને હૈદરાબાદ પાછી લાવ્યો. વિમાનમાં ટેકનિકલ ખામી હતી, જોકે ખામી બાબતે સત્તાવાર રીતે જાણી શકાયું નથી.