ઇઝરાયલના હુમલામાં અલ જઝીરાના 5 પત્રકારોના મોત

Spread the love

 

 

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 5 પત્રકારો માર્યા ગયા છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, માર્યા ગયેલાઓમાં પત્રકારો અનસ અલ-શરીફ અને મોહમ્મદ કરીકેહ, કેમેરામેન ઇબ્રાહિમ ઝહીર, મોમેન અલીવા અને મોહમ્મદ નૌફલનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, આ પત્રકારો હોસ્પિટલની બહાર એક પ્રેસ ટેન્ટમાં રોકાયા હતા. આ હુમલામાં કુલ 7 લોકો માર્યા ગયા હતા. હુમલા પછી તરત જ, ઇઝરાયલની સેનાએ સ્વીકાર્યું કે તેઓએ રિપોર્ટર અનસ અલ-શરીફને નિશાન બનાવ્યા હતા. ઇઝરાયલની સેનાએ અનસને આતંકવાદી ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે હમાસમાં આતંકવાદી સેલના વડા તરીકે સેવા આપી ચૂક્યો છે. તેનું કામ ઇઝરાયલી નાગરિકો અને સૈનિકો પર રોકેટ હુમલા કરાવવાનું હતું. અનસ અલ-શરીફ ગાઝાથી રિપોર્ટિંગ કરતા સૌથી જાણીતા ચહેરાઓમાંના એક હતા. 28 વર્ષીય અનસે તેમના મૃત્યુના થોડા સમય પહેલા X પર ઇઝરાયેલી સેનાના બોમ્બમારાનો એક વીડિયો શેર કર્યો હતો. તેમની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે, “સતત બોમ્બમારો થઈ રહ્યો છે, છેલ્લા બે કલાકથી ગાઝા શહેર પર ઇઝરાયલી હુમલો વધુ તીવ્ર બન્યો છે.”
ગાઝામાં 22 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 200 મીડિયા કર્મચારીઓ માર્યા ગયા છે. અનસના મૃત્યુ પછી, ગાઝામાં કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ (CPJ) એ આ અંગે નારાજગી વ્યક્ત કરી. CPJ એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તે પત્રકારોના મૃત્યુથી આઘાતમાં છે. સીપીજેના ડિરેક્ટર સારાહ કુદાહે જણાવ્યું હતું કે કોઈ પણ પુરાવા વિના પત્રકારોને આતંકવાદી કહેવાથી ઇઝરાયલના ઇરાદા અને પ્રેસ સ્વતંત્રતા પ્રત્યેના તેના વલણ પર ગંભીર સવાલો ઉભા થાય છે. તેમણે કહ્યું કે પત્રકારો નાગરિક છે અને તેમને ક્યારેય નિશાન બનાવવા જોઈએ નહીં, અને જવાબદારોને કડક સજા થવી જોઈએ. પેલેસ્ટિનિયન જર્નાલિસ્ટ યુનિયને પણ આ હુમલાને ‘લોહિયાળ ગુનો’ ગણાવ્યો છે અને તેની નિંદા કરી છે. ઇઝરાયલ અને અલ જઝીરા વચ્ચે લાંબા સમયથી તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. ગાઝામાં યુદ્ધ બાદ ઇઝરાયલના અધિકારીઓએ દેશમાં અલ જઝીરા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેની ઓફિસો પર દરોડા પાડ્યા છે. કતાર અલ જઝીરાને ભંડોળ પૂરું પાડે છે અને હમાસના નેતાઓને આશ્રય આપે છે. કતાર ઇઝરાયલ અને હમાસ વચ્ચે વાટાઘાટોનું કેન્દ્ર પણ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *