અમેરિકા દ્વારા ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ઉત્પાદનો પર ૫૦ ટકા સુધીનો ઊંચો ટેરિફ લાદવામાં આવતા, ભારતે પણ વળતો પ્રહાર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રો અનુસાર, ભારત પણ પસંદગીના અમેરિકન ઉત્પાદનો પર ૫૦ ટકા સુધીનો ટેરિફ લાદવાનું વિચારી રહ્યું છે, જે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો પહેલો ઔપચારિક બદલો હશે.
આ ઉપરાંત, ૩૧ જુલાઈએ તમામ ભારતીય ઉત્પાદનો પર ૨૫ ટકા અને ૬ ઓગસ્ટે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ વધારાનો ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. આનાથી ઓછામાં ઓછી ૭.૬ બિલિયન ડોલર (અંદાજે ૬,૫૫૯ કરોડ રૂપિયા)ની ભારતીય નિકાસને અસર થઈ છે.
ભારતે વિશ્વ વેપાર સંગઠન (WTO) માં આ મુદ્દે વાંધો ઉઠાવ્યો છે, પરંતુ અમેરિકાએ વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે. આથી, ભારત પાસે હવે WTO ના નિયમો હેઠળ બદલો લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. ભારત અમેરિકાના સ્ટીલ અને અન્ય ધાતુ સંબંધિત ઉત્પાદનો પર ટેરિફ લાદી શકે છે, જેનાથી બંને દેશો વચ્ચેની વેપાર ખાધમાં વધુ બદલાવ આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે દ્વિપક્ષીય વેપાર ૫૦૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવા માટે વાતચીત શરૂ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ અમેરિકાએ ભારતના કૃષિ અને સંવેદનશીલ ક્ષેત્રોમાં વધુ છૂટછાટોની માગણી કરી, જે ભારતે નકારી કાઢતા વેપાર કરાર પરની વાટાઘાટો અટકી ગઈ હતી.