
ઓલિમ્પિકમાં ઇતિહાસ રચનારી હરિયાણાની શૂટર મનુ ભાકરે હવે પોતાનો અભ્યાસ આગળ વધારવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે રોહતકની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કોલેજ પસંદ કરી છે, જ્યાં તે આ સત્રથી પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેશે. આ સમગ્ર પ્રક્રિયા ફક્ત એક મહિનામાં પૂર્ણ થશે.
ખાસ વાત એ છે કે મનુ ભાકરે રમતગમત ક્ષેત્રમાંથી જ પોતાનો આગળનો અભ્યાસ પસંદ કર્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર, મનુએ રમતગમત પછી તેને લગતો વ્યવસાય કરવા માટે સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં વધુ અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે. પરિવાર પણ તેના નિર્ણય સાથે સહમત થયો છે.
મનુ ભાકર મૂળ ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામની છે. તેણીએ ઝજ્જરની યુનિવર્સલ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે. આ સ્કૂલ તેના કાકા ચલાવે છે. ત્યારબાદ મનુએ દિલ્હીમાંથી ગ્રેજ્યુએશન અને પંજાબ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
મનુએ 2024 પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં બેવડા બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 17 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરી હતી. હાલમાં મનુનું ધ્યાન શૂટિંગ વર્લ્ડ કપ પર છે, જે 2027-28માં ભારતમાં યોજાશે. તે તેની તૈયારીમાં વ્યસ્ત છે.
બીજી તરફ મનુના લગ્નના સવાલ પર પિતા રામકિશને કહ્યું કે જો કોઈ સારો પ્રસ્તાવ આવશે, તો અમે તેના વિશે વિચારીશું. હાલમાં તેના લગ્ન અંગે કોઈ ઉતાવળ નથી. મનુ હમણાં જ 23 વર્ષની થઈ છે, 26 વર્ષની ઉંમર સુધી લગ્ન વિશે કોઈ ખાસ વિચાર નથી.