
જયારથી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે ત્યારથી અમેરિકા પણ ભારતીયોના નિશાનમાં આવી ગયું છે. હવે માનવામાં આવે છે કે અમેરિકાની અનેક બ્રાન્ડસનો ભારતીયો બોયકોટ કરી શકે છે. તેમાં મેક ડોનાલ્ડસ, કોકા કોલા, એમેઝોન, એપલ વગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકી કંપનીઓ માટે ભારત એક મોટું બજાર છે, આ સ્થિતિમાં તેમને મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. અમેરિકાની અનેક બ્રાન્ડસ અને પ્લેટફોર્મનો ભારતમાં ઘણો ઉપયોગ કરવામાં આવે છે.
મેટા કંપનીની વોટસએપ એપ્લીકેશનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ડોમીનો’સના સૌથી વધુ આઉટલેટસ પણ ભારતમાં જ છે. પેપ્સી અને કોકા-કોલા જેવા અમેરિકી કોલ્ડ ડ્રીંકસ બ્રાન્ડસની દુકાનો ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે. એપ્પલના સ્ટોર્સ અને સ્ટાર બકસના આઉટલેટસ પર પણ લોકોની ઘણી ભીડ રહે છે. મીડિયા પર લોકોએ અમેરિકી સામાનના બહિષ્કારની જાહેરાત કરી દીધી છે. લોકો કહે છે અમેરિકી સામાનની જગ્યાએ ભારતમાં બનેલ સામાનનો ઉપયોગ કરવો જોઈએ. જો કે હજુ એ કહેવું મુશ્કેલ છે કે આ બોયકોટથી અમેરિકી કંપનીઓને કેટલી અસર પડે છે.