

પ્રીમિયમ ડિમાન્ડના કારણે, ભારતના મોટા શહેરોમાં મકાનોની કીંમત 14% સુધી વધી ગઇ છે. માર્ચ 2025માં ભારતના 13 શહેરોમાં પ્રોપર્ટીની કીંમતોમાં 8 પોઇન્ટ્સનો વધારો થવા પામ્યો છે. ભારતના મેટ્રોપોલિટન સિટી જેવા કે દિલ્હી, બેંગાલુરુ વગેરેમાં મકાનોની કીંમતો કૂદકે ને ભૂસકે વધી રહી છે અને ત્યાં ઘર ખરીદવાનું મુશ્કેલ જણાઇ રહ્યું છે.
આવા સંજોગોમાં ભાડામાં વધારો થવો પણ વાજબી છે. આનો અર્થ એ છે કે, એકલા રહેવું અથવા તો નાના ફ્લેટમાંથી મોટા ફ્લેટમાં રહેવા જવું એ તો શહેરી લોકોનું કેવળ એક સપનું માત્ર બની ગયુ છે!
સાંપ્રત સમયમાં આભ આંબતી ઘરની કોમતો ને વળી શહેરની ભીડમાં એકલતા અનુભવતા લોકો, આ બંને મળીને હોબોસેક્સ્યુઆલિટી જેવા અજુગતા ટ્રેન્ડને ફૂલવા-ફાલવા માટે એક અનુકૂળ માહોલ બનાવી રહ્યાં છે. અહિં વાસ્તવિક્તા એ છે કે, લોકો પ્રેમ માટે ઓછી અને વધારે તો રહેવાની સુવિધા માટે, રિલેશનશિપ બાંધવાનું પસંદ કરી રહ્યાં છે!! આ રીતે લોકો કંઇ ખાસ ચૂકવ્યા વિના જ, આર્થિક અને ઇમોશનલ રીતે પોતાના પાર્ટનર પર નભી શકે છે!
શું છે આ હોબોસેક્સ્યુઆલિટી?
હોબોસેક્સ્યુઆલિટી એક એવો સંબંધ છે કે, જેમાં કોઇ વ્યક્તિ ઘર અને આર્થિક મદદ માટે કોઈની સાથે રોમેન્ટિક સંબંધ બાંધે છે. આ સંબંધમાં પ્રેમની આડમાં પોતાના પાર્ટનરનું ઘર શૅર કરે છે અને ઘણી વાર આર્થિક સહાયતા પણ લે છે! જો કે, હોબોસેક્સ્યુઆલિટી શબ્દને હળવાશથી લેવાની ભૂલ કરતા નહિ, કેમ કે આ ટ્રેન્ડ ભારતના શહેરોમાં છાનોમાનો પગપેસારો કરી ચૂક્યો છે અને ઘણી ઝડપથી વધી પણ રહ્યો છે.
હોબોસેક્સ્યુઆલિટી હવે ફક્ત પશ્ચિમી દેશોનો શબ્દ નથી રહ્યો હોબોસેક્સ્યુઅલ’ શબ્દ મૂળ રુપે પશ્ચિમી ઇન્ટરનેટ કલ્ચરમાંથી ઊભરો આવ્યો છે, જેને બોલચાલની ભાષામાં એવા માણસ માટે પ્રયોજવામાં આવે છે કે જે, ખાસ કરીને રહેવાની જગ્યા મેળવવાના આશયથી જ ડેટિંગ કરે છે.
મુંબઇ, દિલ્હી અને બેંગાલુરુ જેવા મહાનગરોમાં ઘર એટલા મોંઘા છે કે અહિ ડેટિંગનું ચલણ લેવડ-દેવડ પર આધારિત બનતુ જાય છે!
ઇમોશનલ હોબોસેક્સ્યુઆલિટી
ભારતમાં એના ઝડપભેર લોકપ્રિય થવા પાછળનું કારણ આભને આંબતા મકાનોના ભાડાં જવાબદાર છે. અહિં એવુ બિલકુલ નથી કે, અમે હોબોસેક્સ્યુઅલ લોકોની તરફેણ કરી રહ્યાં છીએ, પરંતુ સત્ય આ જ છે.
વળી, ઘર વસાવવાનું સાંસ્કૃતિક દબાણ, સંઘર્ષનું મહિમામંડન, તથા અન્ય લોકો પર અહેસાન કરવાની કેટલાક લોકોની ભાવના… આ તમામનો સરવાળો કરો તો હોબોસેક્સ્યુઆલિટી જેવા ટ્રેન્ડ ફૂલેલે છે. ઇમોશનલ સપોર્ટ માટે ઘણી વાર એક પાર્ટનર અન્યના ભાગનું ભાડું કે અન્ય ખર્ચ પણ અજાણતા ભોગવતો રહે છે અને એની ચાલાકીની ખબર પડે ત્યારે મોડું થઇ ચૂક્યું હોય છે.
હોબોસેક્સ્યુઆલિટી ની નિદા કરવાનો અમારો હેતુ સંઘર્ષ કરી રહેલા લોકોને શેતાન તરીકે ચીતરવાનો જરાયે નથી, કેમ કે આમાં ન તો સંપૂર્ણ સ્વતંત્રતાથી રહેવાની માગ છે કે ન તો બંને બાજુથી સાચા પ્રેમનું સમર્પણા હોબોસેક્સ્યુઆલિટી ને ગંભીરતાથી લેવાનો હેતુ ભાવનાત્મક સુવિધા પર આધારિત નહિ પરંતુ સમાનતા અને સભાનતાપૂર્ણ સંબંધો બનાવવાનો છે.