અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધે દેશમાં આર્થિક સંકટ ઊભું કર્યું છે. આ ટેરિફના કારણે ભારતનું સૌથી મોટું ડાયમંડ હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગ પર ગંભીર આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે. અત્યાર સુધી ડાયમંડ અને જ્વેલરી ઉપર 13.5 ટકા સુધીનો ટેરિફ હતો. 1 ઓગસ્ટથી 25 ટકા અને ત્યારબાદ 50 ટકા કરી દેવાતા ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પર ભય મંડરાઈ રહ્યો છે.
તહેવારોના ઓર્ડર કેન્સલ
ભારતે વર્ષ 2024માં અમેરિકાને 9,236.46 મિલિયન ડોલરના હીરા અને ઝવેરાતની નિકાસ કરી હતી. જો કે ટેરિફ બાદ સુરતની મોટી હીરા કંપનીઓ અમેરિકી ગ્રાહકો પાસેથી ક્રિસમસ માટે મળતા ઓર્ડરને કેન્સલ કરી રહી છે. ભારતમાં તહેવારોની સીઝન આંતરરાષ્ટ્રીય બજારોમાં કુલ વાર્ષિક વેચાણનો લગભગ અડધો ભાગ હોય છે, જેથી આ એક મોટો ફટકો છે.
એક લાખથી વધુ નોકરીઓ પર સંકટ
હીરાની કટાઈ, પોલિશિંગ, સોના-ચાંદીને અલગ કરવા અને આભૂષણ તૈયાર કરવામાં સામેલ લાખો લોકો માટે મુશ્કેલી ઊભી થશે. આગામી મહિનાઓમાં કુલ 50 ટકા ટેરિફ લાગુ થવાથી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને સૌથી વધુ નુકસાન થશે. લગભગ એક લાખથી વધુ નોકરીઓ પર સંકટ ઊભું થઈ શકે છે.
દેશને આર્થિક રીતે મોટું નુકસાન
કાપેલા અને પોલિશ કરેલા હીરાની નિકાસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાને નિકાસ પહેલેથી જ 25 ટકા સુધી ઘટી ગઈ હતી. જો ટ્રમ્પનો ટેરિફ પરનો આ કડક વલણ ચાલુ રહેશે તો નિકાસમાં વધુ ઘટાડો થશે અને દેશને આર્થિક રીતે મોટું નુકસાન થશે.