શનિવારથી વરસાદનુ જોર વધશે… એકથી વધુ રાઉન્ડ વરસશે

Spread the love

 

 

 

દેશના અનેક રાજયોમાં વરસાદી કહેર વચ્ચે હવે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ વરસાદનું જોર વધવાની શકયતા છે. આવતીકાલ સુધી હજુ છુટાછવાયા ઝાપટા વરસશે. પરંતુ શનિવારથી વરસાદનો વ્યાપ સાથે માત્રા બન્ને વધશે. 16થી23 ઓગસ્ટ દરમ્યાન વરસાદના એકથી વધુ રાઉન્ડ વરસવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયમાં કાલ સુધી હજુ છુટોછવાયો વરસાદ થશે. પરંતુ સિસ્ટમના પ્રભાવ હેઠળ વાતાવરણ સુધરવા સાથે 16થી23 ઓગસ્ટ દરમ્યાન વરસાદના એકથી વધુ રાઉન્ડ શકય છે. કેટલાંક દિવસો સાર્વત્રિક-વ્યાપક વરસાદ વરસશે.
જયારે બાકીના દિવસોમાં છુટોછવાયો હતો. આગાહીના સમયમાં વ્યાપક વિસ્તારોમાં કુલ 50થી100 મીમી વરસાદ થશે. જયારે સીમીત વિસ્તારોમાં 100થી200 મીમી અને અમુક સ્થાનોમાં 250 મીમી (10 ઈંચ) કે તેથી પણ વધુ વરસાદ થવાની સંભાવના છે. પ્રવર્તમાન હવામાન પરિબળો વિશે તેઓએ કહ્યું કે ગઈકાલે ઉદભવેલુ લો-પ્રેસર આજે સવારે મધ્ય-પશ્ચિમ તથા લાગુ ઉતરપશ્ચિમ બંગાળની ખાડીમાં હતું. તેને સંલગ્ન અપર એર સાયકલોનિક સરકયુલેશન (યુએસી) સમુદ્રસ્તરથી સરેરાશ 7.3 કી.મી. ઉપર સુધી ફેલાયેલુ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ છે. આવતા 48 કલાકમાં તે ઉતરતટીય આંધ્રપ્રદેશ તથા દક્ષિણ ઓડિશા તરફ પશ્ચિમ-ઉતરપશ્ચિમ દિશામાં ચાલવાની શકયતા છે.
મોન્સુન ટ્રક શ્રીગંગાનગર, ચૂરૂ, ગુના, જબલપુર, રાયપુર, દક્ષિણ-દક્ષિણપુર્વ તરફ પશ્ચિમ કેન્દ્ર તથા જોડાયેલી ઉતર પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેશરના કેન્દ્ર સુધી છે. આ સિવાય પાંચ જેટલા અપર એર સાયકલોનિક સરકયુલેશન છે. હિમાચલ પ્રદેશ તથા લાગુ જમ્મુ પર 1.5 થી 3.1 કી.મી.ની ઉંચાઈએ, કચ્છ તથા આસપાસ 3.1 કી.મી. ઉપર ઉતર પુર્વિય અરબી સમુદ્ર તથા કચ્છ પર, ઉતરપુર્વીય આસામમાં 3.1 કી.મી.ની ઉંચાઈએ તથા અન્ય એક ઉતરપશ્ચિમી ઉતરપ્રદેશ તથા લાગુ હરિયાણા પર 0.9 કી.મી.ની ઉંચાઈએ દક્ષિણ હરિયાણા તથા ઉતર રાજસ્થાન સુધી વિસ્તરેલુ છે. અન્ય પરિબળોમાં મધ્ય બંગાળની ખાડીથી ઉતરપુર્વિય અરબી સમુદ્ર (કચ્છ નજીક) સુધીનુ પુર્વ-પશ્ચિમ ટ્રફ છે. મધ્ય પશ્ચિમ તથા લાગુ ઉતર-પશ્ચિમ બંગાળની ખાડીના યુએસી, તેલંગાણા, ઉતરીય મહારાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત પરથી પસાર થાય છે. 1.5 થી 5.8 કી.મી.ના લેવલે છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ છે. આ સિસ્ટમ-પરિબળોના પ્રભાવ હેઠળ તા.16થી23 ઓગષ્ટ દરમ્યાન રાજયમાં વરસાદના એકથી વધુ રાઉન્ડ શકય છે જે દરમ્યાન હળવો-મધ્યમ-ભારે અને ખૂબ ભારે વરસાદની સંભાવના છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *