ગુજરાતની અનોખી ઘટના: પ્રમોશન મળ્યા છતાં 241 PI છ માસથી પોસ્ટિંગની રાહમાં

Spread the love

 

ગૃહવિભાગ દ્વારા છ મહિના પૂર્વ રાજ્યના 241 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપી દીધા બાદ પીઆઈ તરીકે બઢતી મેળવનાર આ 241 પીઆઈને હજુ સુધી પોસ્ટીંગ નહીં અપાતા બઢતી મેળવનાર પીઆઈમાં નિરાશા જોવા મળી રહી છે. બઢતી બાદ છ મહિના સુધી પોસ્ટીંગ ન અપાયું હોય તેવું ગુજરાત પોલીસના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.

રાજ્યના ગૃહખાતા દ્વારા છ માસ પહેલા પીએસઆઇને પ્રમોશન આપીને પીઆઇ બનાવાયા હતા જેમાં તા.20 ફેબુ્રઆરીના રોજ સમગ્ર રાજ્યના 159 પીએસઆઇને એકસાથે પીઆઇના પ્રમોશનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઓર્ડર બાદ તા.7 એપ્રિલના રોજ વધુ 33 અને તા.9 એપ્રિલના રોજ વધુ 49 પીએસઆઇને પીઆઇના પ્રમોશન આપવાના ઓર્ડરો કરવામાં આવ્યા હતાં.

આમ છેલ્લા છ માસ દરમિયાન કુલ 241 પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ પીઆઇ બની ગયા છે પરંતુ તેઓ હજી પણ જે તે શહેર અથવા જિલ્લામાં જ છે. પીએસઆઇમાંથી પીઆઇ બનેલા તમામ પોલીસ અધિકારીઓ ક્યારે અમારી બદલી થાય તેની રાહ જોઇને બેઠા છે. કેટલાંકે તો નવી જગ્યાઓ માટે લોબિંગ પણ શરૂૂ કરી દીધું છે. પીઆઇ બની ગયેલા અધિકારીઓ હવે નવા સ્થળે હાજર થવા માટે ઉત્સાહિત હતા પરંતુ હવે તેમનો ઉત્સાહ પણ મહિનાઓ થતાં ઓસરી ગયો છે. પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચા મુજબ પીઆઇથી ડીવાયએસપીના પ્રમોશન આપ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર પીઆઇનું પોસ્ટિંગ કરાશે જ્યારે અન્ય એક ચર્ચા એવી પણ છે કે સીઆઇડી ક્રાઇમ, એસીબી જેવી મહત્વની બ્રાંચોમાં વર્ષ-2009 કે 2010ની બેચના સિનિયર પીઆઇના પોસ્ટિંગ થયા બાદ નવા પીઆઇને બદલવામાં આવશે.

પીએસઆઇથી પીઆઇના પ્રમોશન બાદ છ મહિના જેટલા લાંબા સમય સુધી કોઇ પોલીસ અધિકારીઓને પોસ્ટિંગ ના અપાયું હોય તેવું કદાચ પ્રથમ વખત બન્યું છે. ગૃહ વિભાગમાં પ્રમોશન બાદ લાંબા સમય સુધી નવી જગ્યાએ નિમણૂંક નહી અપાતા હવે અધિકારીઓની પણ નિરાશ થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *