ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કર્યું હતું .આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસકર્મીઓ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સૌએ હાથમાં ત્રિરંગો લહેરાવીને દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.
સમારંભની શરૂઆત ગૃહમંત્રીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી કરાવીને ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત ગવાયું હતું અને દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ જવાનો અને શાળાના બાળકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ અવસરે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે,ગુજરાતના મારા સૌ નાગરિકોને 79માં સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દુનિયાભરના સૌ દેશો સાયબર ક્રાઈમની ચેલેન્જો અનુભવી રહ્યા છે અને તેમાં જ ભારત દેશમાં ગુજરાત એ પહેલું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જેમાં જે પ્રકારે એનએફએસયુ, એફએસએલ છે, એ જ પ્રકારે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, તે જ પ્રમાણે સાયબર ક્રાઈમ માટેનું સ્પેશિયલ યુનિટનું આખું આયોજન કરવામાં આવશે.
જેમાં 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાં ખૂબ જ સિનિયર અધિકારીઓથી લઈને એસપી સુધી તમામ લોકોની એક ટીમ જોડે જોડે ટેકનિકલ ટીમ પણ એની અંદર અપોઈન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે ખૂબ ઝડપથી આવનારા દિવસોમાં ચાલુ કરીને રાજ્યના બધા જ જિલ્લાઓમાં જે સાયબર ક્રાઈમ યુનિટ છે, એની સપોર્ટ સિસ્ટમ અહીંયાથી આપવામાં આવશે.
આ પ્રસંગે બાળકો દ્વારા દેશભક્તિના ગીતો અને નૃત્યો રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. કાર્યક્રમ દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી .ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા અને દરેક નાગરિકને દેશની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરી હતી.



