છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આકાશમાંથી આફત વરસી છે. ભારે વરસાદથી અચાનક આવેલા પૂરને કારણે ભારે વિનાશ વેર્યો છે. અધિકારીઓના જણાવ્યાનુસાર, આ આફતમાં ઓછામાં ઓછા 255 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ છે.
સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યું મુજબ, બુનેર જિલ્લામાં 75, માનશેરામાં 17 અને બાજૌર અને બટાગ્રામ જિલ્લામાં 18-18 લોકોના મોત થયા છે, જ્યારે ડીરમાં પાંચ લોકો માર્યા ગયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, સ્વાતમાં ચાર અને શાંગલામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે.
મૃત્યુઆંક વધવાની શક્યતા
પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (PDMA)ના પ્રવક્તા ફૈઝીએ એક ખાનગી ચેનલને જણાવ્યું હતું કે, ‘ગુરુવાર (14 ઓગસ્ટ) રાતથી ચાલુ રહેલા મુશળધાર વરસાદ અને પૂરમાં બાળકો સહિત 255 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે’. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી હતી કે ગુમ થયેલા લોકોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુઆંક વધી પણ શકે છે. નોંધનીય છે કે, ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અમીન અલી ગંડાપુરે બચાવ અને રાહત કામગીરી માટે શકય તેટલી મદદ અને તમામ સંસાધનોનો ઉપયોગ તેમજ મલાકંદ કમિશનર અને બાજૌરના ડેપ્યુટી કમિશનરને કામગીરીનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
પૂરમાં બધુ જ તણાઈ ગયું
અચાનક આવેલા પૂરમાં અનેક ઘરો તબાહ થઈ ગયા હતા, જ્યારે ત્રણ મોટા પુલ પણ ધરાશાયી થયા હતા. ઝેલમ ખીણના પલહોટ વિસ્તારમાં વાદળ ફાટવાથી રસ્તાનો એક ભાગ નુકસાન પામ્યો અને ડઝનબંધ વાહનો ફસાઈ ગયા હતા. મુઝફ્ફરાબાદ જિલ્લાના સરલી સચ્ચા ગામમાં ભૂસ્ખલનમાં એક પરિવારના છ સભ્યો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેમના મૃત્યુની આશંકા છે. સુધાનોતી જિલ્લામાં નાળામાં વહી જવાથી એક યુવકનું મોત થયું અને બાગ જિલ્લામાં ઘર ધરાશાયી થવાથી એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો.