‘કંતારા’, ‘મહાવતાર નરસિંહા’, ‘પુષ્પા’ અને અન્ય ફિલ્મોની સફળતા પરથી તમે અંદાજ લગાવી શકો છો કે પ્રાદેશિક ફિલ્મો પ્રત્યે દર્શકોનો ઝુકાવ કેટલો વધી રહ્યો છે. એવી ઘણી ફિલ્મો છે, જે પહેલા પ્રાદેશિક ભાષામાં રીલિઝ થાય છે અને પછી જ્યારે ફિલ્મનો ક્રેઝ વધે છે, ત્યારે નિર્માતાઓ તેને હિન્દીથી લઈને પેન ઈન્ડિયા ઓડિયન્સ માટે રીલિઝ કરે છે.
સાઉથ સિનેમા બાદ, હવે પશ્ચિમ બંગાળ સરકારે બંગાળી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે, જે તેમના સિનેમા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
NDTVના એક રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળ સરકારે બુધવારે રાજ્યના તમામ સિનેમાઘરોમાં પ્રાઇમ ટાઇમમાં પ્રાદેશિક ફિલ્મો બતાવવાનું અનિવાર્ય કરી દીધું છે. પ્રાઇમ ટાઇમમાં બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધીનો છે, જ્યારે મોટાભાગના દર્શકો થિયેટરમાં આવે છે. સરકારે આ આદેશને તાત્કાલિક પ્રભાવથી લાગૂ કરવા કહ્યું છે. પશ્ચિમ બંગાળ સરકારના પત્ર મુજબ, રાજ્યના તમામ મલ્ટિપ્લેક્સમાં, દરેક સિનેમા હોલની દરેક સ્ક્રીન પર, 365 દિવસ માટે પ્રાઇમ ટાઇમ શોમાં આખા વર્ષ દરમિયાન બંગાળી ફિલ્મો બતાવવું ફરજિયાત છે. સરકારે વર્ષના 365 દિવસ સિનેમાઘરોમાં એક બંગાળી ફિલ્મ બતાવવાનો આદેશ આપ્યો છે.
આ નોટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, ‘બધા મલ્ટિપ્લેક્સ અને સિંગલ થિયેટરોએ દરરોજ પ્રાઇમ ટાઇમમાં બંગાળી ફિલ્મો માટે એક સ્લોટ રાખવો જ પડશે. અધિકારીએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર દ્વારા લાંબા સમયથી પ્રાદેશિક સિનેમાને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ સુનિશ્ચિત કરવા માગે છે કે બંગાળી સિનેમાને એ એક્સપોઝર મળે અને સાથે જ પોતાના રાજ્યમાં કોમર્શિયલ અવસર પણ મળે.’ નોટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નવી સૂચનાઓ અનુસાર, પશ્ચિમ બંગાળ સિનેમા નિયમ 1956માં સંશોધન યોગ્ય સમયે કરવામાં આવશે.