જેલોમાં કેદ બંદીવાનના પરિવાર અને વૃદ્ધ કેદી માટે ‘વિકાસદીપ’ યોજના: કેદીઓના બાળકોને ત્રણ સ્તરે ઇનામ મળશે; વૃદ્ધ કેદીઓ માટે અલગ બેરેક, કેરટેકર અને આરોગ્યની સુવિધા

Spread the love

 

રાજ્યની જેલોમાં કેદીઓના અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બે મોટા નિર્ણયોની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે તેમજ રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા “વિકાસદીપ” યોજના અંતર્ગત રોકડ ઇનામ અને પુરસ્કારો આપવાની જાહેરાત કરાય છે.

જ્યારે જેલોમાં રહેલા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ અને બીમાર બંદીવાનોની સુખાકારી માટે પણ અલગ બેરેક, કેરટેકર, આરોગ્ય જેવી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેલ ડીજીપી કે.એલ.એન. રાવે આ જાહેરાતો કરતા જણાવ્યું કે, આ પગલાંથી બંદીવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

કેદીઓના બાળકોને ત્રણ સ્તરે ઇનામો મળશે

સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા પર કેદીઓના બાળકોને કુલ ત્રણ સ્તરે ઇનામો મળશે. જેમાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ રૂ.5,001 અને પ્રમાણપત્ર, મેઇન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ 10,001 અને પ્રમાણપત્ર તેમજ અંતિમ પસંદગી અને નિમણુંક બદલ 15,001, મોમેન્ટો અને પ્રમાણપત્ર બંદીવાનના બાળકોને સિધ્ધિ બદલ આપવામાં આવશે.

રમત-ગમત ક્ષેત્રે વિજેતા બાળકોને 3 હજારથી 15 હજાર સુધી મળશે

બીજી તરફ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સ્તરે બ્રોન્ઝ મેડલ માટે રૂ. 3,001 અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે રૂ. 5,001 અને પ્રમાણપત્ર તથા ગોલ્ડ મેડલ માટે રૂ.7,001, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા બાળકોને બ્રોન્ઝ મેડલ માટે રૂ.7,001 અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે રૂ.10,001 અને પ્રમાણપત્ર તેમજ ગોલ્ડ મેડલ માટે રૂ.15,001 ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

જેલ કર્મચારીઓના બાળકોને પણ લાભ થશે

જેલ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા રમતગમત ક્ષેત્રે સફળતા માટે પણ ઇનામ પુરસ્કાર આપવામાં આવશે

વૃદ્ધ અને બીમાર કેદીઓ માટે વિશેષ સુવિધાઓ

જેલોમાં રહેલા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ અને બીમાર બંદીવાનોની સુખાકારી માટે પણ ખાસ નિર્ણય લેવામાં આવ્યા છે. આ સુવિધાનો હેતુ તેમનું જીવન સરળ અને માનવતાભર્યું બનાવવાનો છે.

જેલમાં અલગ બેરેક ફાળવવાશે

રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે કેરટેકરની વ્યવસ્થા

દવાખાનામાં તેમને અગ્રિમતા આપવામાં આવશે અને સ્પેશિયલ રેમ્પ્સની સુવિધા

નિયમિત તબીબી ચકાસણી અને મેડિકલ કેમ્પનું આયોજન

તેમની શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર

માનસિક સ્વાસ્થ્ય માટે નિયમિત કાઉન્સેલિંગની સુવિધા

જામીન અને દયા અરજી સંબંધિત કાયદેસરની મદદ

આ નિર્ણયોથી જેલ પ્રશાસન અને કેદીઓના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે, અને તેમને સમાજની મુખ્યધારામાં જોડાઈને સન્માનભર્યું જીવન જીવવાની તક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *