
અમદાવાદ સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસની અપીલ ચલાવી રહેલા ગુજરાત હાઇકોર્ટના બે ન્યાયમૂર્તિઓ જસ્ટીસ એ. વાય. કોગજે અને જસ્ટીસ સમીર દવેને ઝેડ કેટેગરીની સુરક્ષા કવચ રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવ્યું છે. આ બાબતનો ઉલ્લેખ ગુજરાત હાઇકોર્ટની આ ખંડપીઠ દ્રારા આપવામાં આવેલા આદેશમાં કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં તા. 26 જુલાઇ, 2008ના રોજ શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટ સિવિલ હોસ્પિટલ સહિત અનેક વિસ્તારોમાં થયા હતા જેમાં 57 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. ફેબ્રુઆરી 2022 માં, ટ્રાયલ કોર્ટે અમદાવાદ સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમાંથી 38 આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 28 આરોપીઓને સ્વીકાર્ય પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બોમ્બ વિસ્ફોટોના કેસોમાં આરોપીઓએ અપીલ દાખલ કર્યા પછી ગત ફેબ્રુઆરી મહિનાથી તેની લગભગ દરરોજ સુનાવણી થઇ રહી છે. હાઈકોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા કન્ફર્મેશન માટે અને આજીવન કેદની સજાની વિરૂધ્ધમાં થયેલી અપીલોના કેસની સુનાવણી કરવામાં આવી રહી છે.
દરમિયાન ઝીશાન શેખ નામના એક દોષિતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ દ્વારા દૈનિક ધોરણે સુનાવણી કરવામાં આવી રહેલી તેની અપીલનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની પરવાનગી મેળવવા માટે અરજી કરી હતી. તે ફગાવી દેવામાં આવી હતી. અગાઉ 10 જુલાઈના રોજ, ન્યાયાધીશ એ.વાય. કોગજે અને ન્યાયાધીશ સમીર દવેની બેન્ચે અરજી સુરક્ષાના કારણોસર અને લાઇવ સ્ટ્રીમીંગ ના કરવા માટે ન્યાયમૂર્તિઓને આપવામાં આનેલા અધિકારોને ધ્યાનમાં લઇને ફગાવી દીધી હતી. આથી તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અને હાઈકોર્ટ સમક્ષ અપીલ કાર્યવાહીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો હતો.
હાઇકોર્ટમાં શું થયું
આરોપી ઝીશાન અહમદ શેખે હાઈકોર્ટ સમક્ષ ઉપરોક્ત અરજી દાખલ કરી હતી. શેખે તેમના કેસનું લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરવા માટે હાઇકોર્ટમાં પિટીશન કરીને રજૂઆત કરી હતી કે, લાઇવ સ્ટ્રીમીંગ કરવાથી તેને યોગ્ય રીતે પોતાનો બચાવ કરવામાં મદદ કરે છે અને કેસની સુનાવણીની પારદર્શિતામાં વધારો કરે છે.
તેમણે તેમના વકીલ હર્ષવર્ધનને મુંબઈના હોવાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાની મંજૂરી આપવાની પણ વિનંતી કરી હતી. જો કે રાજ્ય સરકારે અરજીનો વિરોધ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, અરજદાર પોતાનો અધિકાર તરીકે લાઇવ સ્ટ્રીમીંગ કરવાની માગણી કરી શકે નહી.
આ કેસ સંવેદનશીલ પ્રકૃતિનો છે. આવું લાઇવ સ્ટ્રીમીંગ કન્ફર્મેશન કેસોની સુનાવણીના સરળ સંચાલનમાં અવરોધ લાવી શકે છે. આથી આવી સુનાવણીનું લાઇવ સ્ટ્રીમીંગ કરવાની મંજૂરી આપી શકાય નહી. ત્યારબાદ બેન્ચે હાઇકોર્ટના લાઇવ સ્ટ્રીમિંગ નિયમો અનુસાર અરજીને ફગાવી દીધી હતી જેમાં ન્યાયાધીશો તેમની કોર્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
અરજી ફગાવી દેતી વખતે કોર્ટે તાજેતરમાં લાઇવ સ્ટ્રીમિંગ સુવિધાઓના દુરુપયોગના સંદર્ભમાં નોંધાયેલા તાજેતરના બનાવોની પણ નોંધ લીધી છે. જેના માટે કોર્ટે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની હદ સુધી જવું પડ્યું હતું.
અદાલતે વધુમાં અવલોકન કર્યું હતું કે, હાલની સુનાવણી નાજુક હોવાથી, કોઈપણ નાની ઘટના ચાલુ સુનાવણીને ગંભીર અસર કરી શકે છે. તેથી કોર્ટનો વિચાર છે કે , ખાસ કરીને કન્ફર્મેશન કેસ (મૃત્યુદંડ માટે) ની કોર્ટની કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ હાલની સુનાવણી બાબતે ઇચ્છનીય નથી.