
પૂર્વ સૈનિકો દ્વારા પડતર માંગણીઓને લઈ ચાલી રહેલા ‘ઓપરેશન અનામત’ આંદોલન આજે(19 ઓગસ્ટ, 2025) 23મો દિવસ છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા પૂર્વ સૈનિકો અને ‘ગુજરાત પૂર્વ સૈનિક સંગઠન’ દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું હતું, જેમાં રેલી પહેલાં પૂર્વ સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી છે. આ આંદોલનમાં સવારે 50થી વધુ પૂર્વ સૈનિકોની અટકાયત કરી હતી. DySPએ કહ્યું હતું કે મહારેલીની પરમિશન અપાઈ નથી.
ગાંધીનગરમાં પોલીસે અટકાયત કરતા તેમને છોડાવવા માટે બપોર પછી અઢી વાગ્યા આસપાસ આક્રોશમાં આવેલા 1000-1500 પૂર્વ આર્મી જવાનો અમદાવાદ આવ્યા હતા. એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજના રસ્તા રોકી લીધા હતા. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, સેક્ટર 2, ડીસીપી,એસીપી સહિતનો મોટો કાફલો પહોંચ્યો હતો. તેમજ અટકાયત દરમિયાન ઘર્ષણ થયા બાદ પોલીસે તમામ અટકાયતીઓને મુક્ત કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ તેમને સમજાવીને રસ્તો ક્લિય કરાવ્યો હતો. જો કેપૂર્વ સૈનિકોએ માંગ કરી છે કે ગાંધીનગર ખાતેથી જે જે પૂર્વ સૈનિકોની અટકાયત કરી હતી, તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.
પોલીસે મામલો થાળે પાડ્યા બાદ પૂર્વ સૈનિકો આર્મી હોસ્પિટલમાં જમવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ ફરીથી બહાર આવ્યા અને પોત પોતાના વાહનોમાં ગાંધીનગર સચિવાલય જવા રવાના થયા હતા. ત્યાર બાદ એરપોર્ટ સર્કલ ખાતે આવેલી આર્મી હોસ્પિટલના ગેટ પર લોક મારી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ પૂર્વ આર્મી જવાનો ગાંધીનગર તરફ આવતા હોવાની જાણ થતા પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરના પ્રવેશ દ્વારે અને બસોમાં સઘન પોલીસ ચેકિંગ શરૂ કર્યું છે. તેની સાથે સાથે અટકાયત પણ કરવામાં આવી રહી છે.
ગુજરાત પૂર્વ સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની મુક્તિની પણ તેઓ માંગ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોને પોલીસે ડિટેઈન કર્યા છે. જ્યાં સુધી તેમના નેતાઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. તેમજ ચીમકી ઉચ્ચારી છે કે, પૂર્વ સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતને છોડવામાં ન આવે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે. તેમજ તેને તાત્કાલિક મુક્ત કરાવવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું.
શરૂઆતમાં એરપોર્ટ સર્કલ પર પૂર્વ સૈનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. 200થી પણ વધુ પૂર્વ સૈનિકોએ રસ્તા પર બેસીને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા. આ ચક્કાજામના કારણે એરપોર્ટ પર આવતા-જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને બે કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો હતો.
પૂર્વ આર્મી જવાનોનો રોષ જોઇને પોલીસે મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા અને પૂર્વ આર્મી જવાનોને સમજાવીને ઊભા કર્યા હતા. ત્યાર બાદ ઘણાં પૂર્વ આર્મી જવાનોની અટકાયત કરવામાં આવી હતી. પૂર્વ આર્મી જવાનો જબરજસ્તીથી પોલીસની ગાડીમાં ઘૂસી અટકાયત કરેલા લોકોને બહાર કાઢી લાવ્યા હતા. આ સમયે ઘર્ષણ પણ થયું હતું. જો કે પોલીસે નમતું જોખીને ક્રાઈમ જેસીપી દ્વારા અટકાયત કરાયેલા પૂર્વ આર્મી જવાનોને ગાડીમાં જાતે જ બહાર કાઢવા પડ્યા હતા.
ત્યાર બાદ પોલીસે પૂર્વ સૈનિકો સાથે વાતચીત કરી અને સમજાવીને પરત વાળ્યા હતા. તેમજ પોલીસે અટકાયત કરેલા લોકોને છોડવા પડ્યા હતા. આમ પૂર્વ સૈનિકો સામે પોલીસ પણ નરમ પડી હતી. સમજાવીને રસ્તો ખોલવા સમજાવતા લોકો રસ્તો ખોલીને રસ્તાની બાજુમાં ઊભા રહ્યા છે.
પૂર્વ સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે કહ્યું કે, મને ડીટેઇન કરી લેવામાં આવ્યો છે. એરપોર્ટ સર્કલે અમારા જવાનો એકઠા થયા છે. અમારું આંદોલન ચાલુ જ રહેવાનું છે હવે એક મુદ્દો નહીં અમારા જેટલા પણ પેન્ડિંગ મુદ્દા(માંગણીઓ) છે એ બધાને લઈને અમે આંદોલન કરીશું. અત્યાર સુધીમાં 500 જેટલા પૂર્વ સૈનિકો અને વિરંગાને ડિટેઇન કરવામાં આવ્યા છે.
મહારેલી યોજાઈ એ પહેલાં જ આજે(19 ઓગસ્ટે) વહેલી સવારથી જ સત્યાગ્રહ છાવણી પોલીસ બંદોબસ્તમાં ફેરવાયું છે. શહેરના પ્રવેશ માર્ગો ઉપર ચુસ્ત નાકાબંધી કરી દેવાય છે તેમજ તમામ વાહનોને ચેક કરીને જ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.