પહેલી વખત સાયબર ક્રાઇમના આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી

Spread the love

 

ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત સાયબર ગઠીયાઓ સામે પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક)લગાવી દીધી છે. સાયબર ક્રાઈમના ગુનામાં ગુજસીટોક લાગુ પડતાની સાથે જ સાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. થોડા સમય પહેલાના ક્રિપ્ટો કરન્સી કાંડના સાત ગુનેગારો વિરૂદ્ધ પોલીસે ગુજસીટોક લગાવી દીધી છે જે પૈકીના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કરોડોના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેકશન દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ગેંગનો પર્દાફાશ થોડા સમય પહેલા સાઇબર ક્રાઈમ પોલીસે કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે સાત આરોપી પૈકી બે આરોપીની ધરપકડ કરી હતી. જેમના વિરૂદ્ધ 404 સાયબર ફ્રોડના ગુના બન્યા હતા. આરોપીના એકાઉન્ટમાં ક્રિપ્ટો કરન્સીના 300 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે જેમાંથી 16 કરોડ ફ્રોડની રકમના છે જેની ફરિયાદ પણ થઈ છે.આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન, તેમજ શેરબજારમાં રોકાણ સહિત વિવિધ મુદ્દાઓ પર આ ગેંગ લોકો પાસેથી રૂપિયા પડાવતી હતી.આ ગેંગ વિરૂદ્ધ અમદાવાદમાં ત્રણ અને ગાંધીધામમાં એક ગુનો દાખલ થયો હતો.સાયબર ગઠીયાઓ વિરૂદ્ધ કડકથી કડક કાર્યવાહી થાય તે માટે પહેલી વખત ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ ગેંગ ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલી હતી.ચાઈનીઝ ગેંગ લોકોને છેતરતી હતી જે બાદ ફ્રોડના પૈસા 7 આરોપીઓ મારફતે ક્રિપ્ટો કરન્સીથી મેળવતી હતી.આરોપીઓ વિરુદ્ધ અમદાવાદમાં 1.48 કરોડનો ડિજિટલ એરેસ્ટ, 59 લાખનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, 36 લાખનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ગાંધીધામમાં 36 લાખનો ડિજિટલ એરેસ્ટનો ગુનો નોંધાયેલો છે.
સાયબર ગઠીયાઓ વિરૂદ્ધ છેતરપિંડી તેમજ આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હોવાના કારણે તે થોડા મહિનાઓમાં જામીન પર છુટીને બહાર આવી જાય છે અને ત્યારબાદ ફરીથી લોકો સાથે ઠગાઇ કરી દેવાનું ચાલુ કરી દેતા હોય છે. સાયબર ક્રિમીનલ પર કંટ્રોલ આવે અને લોકો ઠગાઈનો ભોગ બનતા અટકે તે માટે સાયબર ક્રાઇમ પોલીસે ગુજસીટોકની કાર્યવાહી કરી છે.
સાયબર ફ્રોડ કરનાર ચાઈનીઝ ગેંગના સંપર્કમાં મિલન નામનો આરોપી હતો.મિલન સાથે સાવન અને ધવલ ઠકરાર બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા હતા. જુદી જુદી વ્યક્તિઓના ખાતામાં રોકડ રકમ નાખતા હતા.જે રકમ સાવન અને ધવલ દ્વારા ઓપરેટ કરેલા ખાતામાં આવે ત્યારબાદ તેમના સાથી કેવલ ગઢવી અને ગોવિંદ સાથે બેંકના એટીએમ મારફતે ઉપાડી લેતા હતા.જે બાદ આંગડિયા પેઢી મારફતે આરોપી બ્રિજરાજ અને હસમુખ પટેલને મોકલતા હતા.આ રકમ બ્રિજરાજ અને હસમુખ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરતા હતા. ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યા બાદ સાવન અને ધવલ દ્વારા આપેલા વોલેટમાં દુબઈના મિલનના ક્રિપ્ટો વોલેટમાં જમા કરાવતા હતા.આમ ચાઈનીઝ ફ્રોડ કરતી ગેંગ સાથે આરોપીઓ ભેગા મળીને ફ્રોડની રકમ ઇન્ડિયા બહાર ક્રિપ્ટો કરન્સીમાં લઈ જવા મદદ કરતા હતા.
ગુજસીટોક કાયદો શું છે?ઃ ગુજસીટોકના કાયદા મુજબ આરોપીને 5 વર્ષથી આજીવન કારાવાસની જોગવાઇ છે. આ એકટમાં 70 દિવસના સમયના બદલે છ મહિના સુધી ચાર્જશીટ કરી શકાય છે. આ ગુનામાં એસપી કક્ષાના અધિકારી સમક્ષ લેવાયેલી જુબાની સીઆરપીસી 164 મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ લેવાયેલા નિવેદનની સમકક્ષ ગણાય છે. વિશેષ કોર્ટની રચના અને પબ્લીક પ્રોસીકયુટરની નિમણુક કરવામાં આવે છે. ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક અથવા મદદનીશ પોલીસ કમિશનર અથવા તેનાથી ઉપરી અધિકારી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *