ક્રાઈમ સિટી સુરતમાં પ્રથમવાર 15માંથી 9 DCP મહિલાઓને પોસ્ટિંગ અપાયું

Spread the love

 

રાજ્યમાં 116 IPSની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં સુરતમાં 8 મહિલા IPSને પોસ્ટીંગ અપાતા પ્રથમવાર 15 DCPમાંથી 9 પર મહિલા અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે. સુરત શહેરમાં જે વિસ્તારમાં ગુનાખોરી વધુ છે તે પાંડેસરા અને અલથાણમાં ડીસીપી તરીકે મહિલાઓને પોસ્ટિંગ અપાયું છે. આ ઉપરાંત સાયબર સેલ, મરીન ટાસ્ક ફોર્સ અને ટ્રાફિકની જવાબદારી પણ મહિલા અધિકારીઓના શિરે રહેશે.
સુરતના કેટલાક વિસ્તારો ગુનાખોરી અને કાયદાકીય સમસ્યાઓ માટે સંવેદનશીલ ગણાય છે. પાંડેસરા અને અલથાણ જેવા વિસ્તારોનો સમાવેશ કરતા ઝોન 4માં ડો. નિધિ ઠાકુર કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવી એ એક મોટો પડકાર છે.
બીજી બાજુ, લિંબાયત, ગોડાદરા, અને ડીંડોલી જેવા પોલીસ મથકોનો સમાવેશ કરતો ઝોન 2 જ્યાં ગુનાખોરીનો રેકોર્ડ ઊંચો રહ્યો છે. ત્યાં ડો. કાનન દેસાઈ ગુનેગારો પર નજર રાખશે. તેમની નિમણૂકથી ગુનાખોરીમાં ઘટાડો થવાની અને કાયદાના શાસનનો અમલ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, નવા બનેલા ઝોન 7માં શેફાલી બરવાલની નિમણૂક કરવામાં આવી છે, જેઓ અગાઉ અરવલ્લી અને મોડાસામાં ફરજ બજાવી ચૂક્યા છે.
સુરતમાં ટ્રાફિકની સમસ્યા જગજાહેર છે. આ સમસ્યાના ઉકેલ માટે ગૃહ વિભાગે ટ્રાફિક વિભાગમાં 2 DCPની પોસ્ટ ઊભી કરી છે. આ જવાબદારી પન્ના મોમાયા અને મિસ અનુપમને સોંપવામાં આવી છે. પન્ના મોમાયા અગાઉ સુરતમાં ફરજ બજાવી ચૂક્યા છે અને હવે તેઓ વડોદરાથી પાછા ફર્યા છે. જ્યારે મિસ અનુપમ માટે આ નવી જવાબદારી છે. આ નિર્ણયથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને અકસ્માતો ઘટાડવામાં મદદ મળશે તેવી આશા છે.
સુરત સાઇબર ફ્રોડનું એપી સેન્ટર બની ગયું છે. જ્યાં ઓનલાઈન છેતરપિંડીના કેસો સતત વધી રહ્યા છે. આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે, સુરતમાં પહેલીવાર સાયબર સેલમાં DCPની પોસ્ટ ઊભી કરવામાં આવી છે અને વિશાખા જૈનને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અગાઉ SRPF ગ્રુપ, દાહોદમાં ફરજ બજાવતા હતા. તેમની નિમણૂકથી સાયબર ગુનાઓ પર લગામ કસવામાં મદદ મળશે.
આ ઉપરાંત, સુરત દરિયાકિનારે આવેલું હોવાથી ડ્રગ્સની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું જોખમ રહે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને, મરીન ટાસ્ક ફોર્સ, હજીરામાં પણ DCPની પોસ્ટ ઊભી કરવામાં આવી છે અને આ જવાબદારી શ્રેયા પરમારને સોંપવામાં આવી છે. તેઓ અગાઉ SSP કમાન્ડન્ટ, વિરમગામ તરીકે ફરજ બજાવતા હતા. આ ઉપરાંત, સ્પેશિયલ બ્રાન્ચમાં જુલી કોઠીયાની DCP તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ભક્તિ ડાભી પહેલાથી જ પોલીસ હેડકવાર્ટરમાં ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *