
સુરતમાં બે મહિના પહેલા ટીકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલ ધરપકડ બાદ કોઈને કોઈ રીતે સતત ચર્ચામાં રહી છે. ત્યારે આજે ફરી એકવાર તેના અસામાન્ય વર્તન માટે ચર્ચામાં આવી છે. આજે કોર્ટમાં હાજર થઈ હતી, અને હંમેશની જેમ, તેણે શાંતિ જાળવવામાં નિષ્ફળતા દાખવી હતી. આ વખતે તેના હાથમાં બાળ ગોપાલની મૂર્તિ હતી, પરંતુ તેના ચહેરા પર ગુસ્સો અને આક્રમકતા જોવા મળી હતી. સાથે વીડિયો બનાવનારને કહ્યું હતું કે, ‘વીડિયો બનાવી લે ટકાટક…, લઈ લે ને બકા…નજીક આવ’
ઉલ્લેખનીય છે કે, ધરપકડના બીજા જ દિવસે પોલીસની સામે નફ્ફટાઈથી હસવાના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારબાદ કોર્ટમાંથી તેને જેલમાં ખસેડવામાં આવી ત્યારે પણ તે બિન્દાસ થઈને જતી હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. જે બાદ કોર્ટમાંથી જેલમાં જતા સમયે ચહેરા પર બાંધેલા દુપટ્ટાને હટાવીને ત્યાં હાજર વીડિયો બનાવનારને કહ્યું-‘લઈ લે બરાબર મસ્ત હો…’
આ વખતે ફરી કોર્ટ પરિસરમાં પ્રવેશતા જ કીર્તિએ દાંત પીસતા ગુસ્સામાં મોબાઈલ કેમેરા તરફ જોયું હતું. જ્યારે તેણે જોયું કે કેટલાક લોકો તેનો વીડિયો બનાવી રહ્યા છે, ત્યારે તેનો પારો વધુ ચડી ગયો. તેણે એક હાથ ઊંચો કરીને કટાક્ષભરી રીતે કહ્યું, ‘તમારે વીડિયો લેવા આવી જ જવાનું હો… લ્યો લ્યો મસ્ત ટકાટક….’ તેના આ શબ્દો અને હાવભાવથી સ્પષ્ટ હતું કે, તેને પોતાની આ પરિસ્થિતિનો જરાય અફસોસ નથી, પરંતુ તે મીડિયા અને લોકો સામે પડકાર ફેંકી રહી છે.
આ ઘટના અહીં જ અટકી નહીં. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ્યારે કીર્તિ પટેલ બહાર નીકળી, ત્યારે પણ તેણે પોતાનું આક્રમક વલણ જાળવી રાખ્યું. ફરીથી મોબાઈલ કેમેરા સામે જોઈને તેણે દાંત પીસ્યા અને ધમકીભર્યું બોડી લેંગ્વેજ પ્રદર્શિત કર્યું. જાણે કે તે વીડિયો ઉતારનારાઓને પડકારી રહી હોય. આ દરમિયાન, એક પોલીસકર્મીએ તેને શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં.
પોલીસની ટકોર છતાં, કીર્તિએ ફરી એકવાર મોટેથી કહ્યું, ‘વીડિયો બનાવી લે ટકાટક… લઈ લે ને બકા.. નજીક આવ..’. તેના આ શબ્દો અને તેના ચહેરા પરનો ગુસ્સો જોઈને સ્પષ્ટ થતું હતું કે, કાયદાકીય અડચણો અને જેલવાસ પણ તેના સ્વભાવમાં કોઈ ફેરફાર લાવી શક્યા નથી. અંતે, પોલીસે તેને સમજાવીને પોલીસ વાનમાં બેસાડી અને પરત સબજેલ લઈ ગઈ.