શિક્ષકોના ટીચર ઓફ ખેરાલુ-1 નામના ગ્રુપમાં અજાણ્યો શખ્સો એ ફાઈલ ફોરવર્ડ કરીને મોબાઈલ હેક કરી નાખ્યો
186 ટ્રાન્જેક્શન કરી લાખો રૂપિયા સાયબર ગઠિયાએ તેના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા; મહેસાણા મોબાઇલમાં શિક્ષકોના ગ્રુપમાં બેન્ક ઓફ ઇન્ડિયાની એપ્લિકેશન જેવી જ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ ઊંઝા તાલુકાના કહોડા ગામે રહેતાં અને મંડાલી પ્રાથમિક શાળાની શિક્ષિકાનો મોબાઇલ હેક કરી સાયબર ગઠિયાઓએ તેમના ખાતામાં પડેલા રૂ.9.65 લાખ ગણતરીના સમયમાં અન્ય ખાતાઓમાં ટ્રાન્જેક્શન કરીને ઉપાડી લીધા હતા
મહેસાણા સાયબર ક્રાઇમની ટીમે શિક્ષિકાની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કહોડા નાં ભારતીબેન પ્રહલાદભાઈ ગુર્જર મંડાલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. 15મી ઓગસ્ટના રોજ સાંજે તેમના મોબાઈલમાં શિક્ષકોના ચાલતા ટીચર ઓફ ખેરાલુ-1 નામના વ્હોટ્સએપ ગ્રુપમાં બેન્ક ઓફ ઇન્ડિયાના અંગ્રેજી લેટરનો ફોટો અને તેની નીચે બેંક ઓફ ઇન્ડિયાના એપ્લિકેશન જેવી જ એપીકે ફાઈલ આવી હતી. તે ફાઈલ તેમણે ઓપન કર્યા બાદ એપ્લિકેશન બંધ કરીને રોજીંદી કામગીરીમાં લાગી ગયાં હતાં.
બીજા દિવસે સવારે પુત્ર તેમનો મોબાઈલ જોતાં 260 જેટલા ટેક્સ મેસેજ આવ્યા હોવાનું અને તે ઓટીપીના અને પૈસા ઉપડ્યાના હતા. આથી મેહુલે ઊંઝા એટીએમમાં જઈ તેમના બેંક ખાતાનું બેલેન્સ ચેક કરતાં ખાતામાં માત્ર રૂ.303 પડ્યા હતા. ત્યારે તેમણે ખબર પડી કે એક દિવસ પહેલાં તેમના ફોનમાં આવેલી એપીકે ફાઈલ ઓપન કર્યા બાદ તેમનો ફોન હેક કરી રૂ.5000 અને તેનાથી ઓછી રકમના 186થી વધુ બેન્ક ટ્રાન્જેક્શન કરી રૂ.9.65 લાખ તેમના ખાતામાંથી ઉપડી, અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.
પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયું હોવાની જાણ થતાંની સાથે જ તેમણે સાયબર હેલ્પલાઇન ઉપર ફરિયાદ કર્યા બાદ મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, સાઇબર ક્રાઇમ દ્વારા અવારનવાર લોકોને એપીકે ફાઇલ ડાઉનલોડ નહીં કરવા કે પછી ઓપન નહીં કરવા માટેની જાણકારી આપવામાં આવે છે. તેમ છતાં શિક્ષિકાના મોબાઈલમાંથી એપીકે ફાઈલના માધ્યમથી જ લાખો રૂપિયા ટ્રાન્જેક્શન કરી ગઠિયાઓએ ઉપાડી લીધા હતા.