
ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ચિંતાઓને ફગાવી દીધી હતી. બાંગ્લાદેશે દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના અવામી લીગ પક્ષના કેટલાક કાર્યકરો ભારતમાં તેની વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.
જયસ્વાલે કહ્યું કે, ભારત સરકારને ભારતમાં અવામી લીગના કાર્યકરો દ્વારા બાંગ્લાદેશ વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિની જાણ નથી. ભારત તેની ધરતી પરથી કોઈપણ દેશ વિરુદ્ધ કોઈપણ રાજકીય પ્રવૃત્તિઓને મંજૂરી આપતું નથી.
જયસ્વાલે બાંગ્લાદેશની વચગાળાની સરકારના નિવેદનને ખોટું ગણાવ્યું અને કહ્યું કે ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશમાં શક્ય તેટલી વહેલી તકે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજાય, જેથી લોકોની ઇચ્છા જાણી શકાય.
બાંગ્લાદેશી મીડિયા અનુસાર, યુનુસ સરકારે ભારત પાસે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ પાર્ટીનું કાર્યાલય બંધ કરવાની માગ કરી હતી.
તેમના મતે આ ઓફિસો દિલ્હી અને કોલકાતામાં ચાલી રહી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતમાં રહેતા અવામી લીગ નેતાઓની પ્રવૃત્તિઓ બાંગ્લાદેશના લોકો અને દેશ વિરુદ્ધ છે.
આ નિવેદન બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાનના નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે સેના આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવામાં વચગાળાની સરકારને મદદ કરશે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં અવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય આતંકવાદ વિરોધી કાયદા હેઠળ લેવામાં આવ્યો છે અને જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલમાં પાર્ટી અને તેના નેતાઓ સામેના કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
શેખ હસીનાના દેશ છોડ્યા પછી, ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. તે જ સમયે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ નેશનલ સિટીઝન પાર્ટી (NCP)ની રચના કરી છે, જેને યુનુસ દ્વારા ટેકો આપવામાં આવે તેવું માનવામાં આવે છે.