
અમેરિકાએ વેનેઝુએલા નજીક ત્રણ યુદ્ધ જહાજો તહેનાત કર્યા છે. આ યુદ્ધ જહાજો આગામી થોડા કલાકોમાં વેનેઝુએલાના દરિયાકાંઠે પહોંચી જશે. રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે સોમવારે કહ્યું હતું કે ડ્રગ્સ માફિયાઓ અને તેમની સાથે સંકળાયેલી હિંસાને રોકવા માટે આ તહેનાતી કરવામાં આવી રહી છે. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ નવો નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર માને છે કે વેનેઝુએલા સરકાર ડ્રગ્સની હેરાફેરીને પ્રોત્સાહન આપી રહી છે. તેમજ, વેનેઝુએલાએ અમેરિકાના આ આરોપોને ફગાવી દીધા છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ સોમવારે યુદ્ધ જહાજોની તહેનાતી સામે 45 લાખ સૈનિકો તહેનાત કરવાની જાહેરાત કરી છે.
યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના એક અધિકારીના જણાવ્યા અનુસાર, USS ગ્રેવલી, USS જેસન ડનહામ અને USS સેમ્પસન નામના ત્રણ એજીસ ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજો ટૂંક સમયમાં વેનેઝુએલાના કિનારે પહોંચશે. આ ત્રણેય યુદ્ધજહાજ હવા, સમુદ્ર અને સબમરીન હુમલાઓ સામે રક્ષણ આપવા સક્ષમ છે. તેની સાથે 4,000 મરીન, P-8A પોસાઇડન સર્વેલન્સ એરક્રાફ્ટ અને એક એટેક સબમરીન પણ છે. તે આગામી થોડા મહિનાઓ સુધી આ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી સામેના અભિયાનમાં સામેલ રહેશે.
“વેનેઝુએલા ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા હોવાના અમેરિકાના આરોપો તેની વિશ્વસનીયતાનો અભાવ દર્શાવે છે,” વેનેઝુએલાના વિદેશ પ્રધાન યવાન ગિલે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. ગિલે કહ્યું, ‘અમે શાંતિ અને સાર્વભૌમત્વ સાથે આગળ વધી રહ્યા છીએ. અમેરિકાની દરેક ધમકી સાબિત કરે છે કે તે એક સ્વતંત્ર દેશને ઝૂકાવી શકશે નહીં.’
અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને વિશ્વના સૌથી મોટા ડ્રગ્સ તસ્કરોમાંના એક ગણાવ્યા છે. 8 ઓગસ્ટના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રે માદુરોની ધરપકડ માટેનું ઇનામ વધારીને 435 કરોડ રૂપિયા કર્યું હતું. અમેરિકાનો આરોપ છે કે માદુરો ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને ફેન્ટાનાઇલ મિશ્રિત કોકેનની અમેરિકામાં દાણચોરી કરી રહ્યા છે. માદુરો પર 2020માં ન્યૂયોર્કની એક કોર્ટમાં નાર્કો-આતંકવાદ અને કોકેનની હેરફેરનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે સમયે અમેરિકાએ તેની ધરપકડ માટે 130 કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું, જે બાદમાં વધારીને 217 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડ્રગ્સ માફિયાઓને અમેરિકા માટે મોટું જોખમ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ ગેંગ માત્ર ફેન્ટાનાઇલ અને અન્ય ડ્રગ્સની અમેરિકામાં દાણચોરી કરી રહી નથી, પરંતુ ઘણા શહેરોમાં હિંસાને પણ પ્રોત્સાહન આપી રહી છે. ટ્રમ્પે મેક્સિકોના નવા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામને પણ ડ્રગ માફિયાઓ સામે વધુ કડક પગલાં લેવા કહ્યું છે. જોકે, મેક્સિકોએ સ્પષ્ટ કર્યું છે કે તે તેના દેશની સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન કરશે નહીં અને યુએસ લશ્કરી હસ્તક્ષેપ સ્વીકારશે નહીં.
ટ્રમ્પ વહીવટીતંત્રે ફેબ્રુઆરી 2025માં વેનેઝુએલાના ટ્રેન ડી અરાગુઆ, અલ સાલ્વાડોરના MS-13 અને 6 મેક્સીકન ડ્રગ્સ કાર્ટેલને વિદેશી આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કર્યા હતા. સામાન્ય રીતે આ દરજ્જો અલ-કાયદા અથવા ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનો માટે હોય છે, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું કે આ ગેંગ ડ્રગ્સ હેરફેર, માનવ તસ્કરી અને હિંસા દ્વારા એટલું બધું નુકસાન પહોંચાડી રહી છે કે તેમને આતંકવાદી સંગઠનો ગણવા જોઈએ.