
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઓગસ્ટના અંતમાં ગુજરાતના પ્રવાસે આવશે. રાહુલ ગાંધીના પ્રવાસને ધ્યાનમાં લેતા કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં રાહુલ ગાંધી ગુજરાત આવશે.તાપી જિલ્લામાં રાહુલ ગાંધીની સભાનું આયોજન કરાઇ રહ્યું છે. જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખની તાલીમ શિબિરમાં ભાગ લેશે. 10 દિવસની તાલીમ શિબિર પ્રદેશ સ્તરે આયોજન થઇ રહ્યું છે.રાહુલ ગાંધી એક દિવસના પ્રવાસમાં વોટ અધિકાર યાત્રા અંતર્ગત સભાને પણ સંબોધન કરશે. દક્ષિણ ગુજરાતમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તૈયારી શરૂ કરી છે. આ વર્ષમાં જ રાહુલ ગાંધી અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી ચુક્યા છે. રાહુલ ગાંધી 7-8 માર્ચે અમદાવાદની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખો, વિપક્ષી નેતાઓ, જિલ્લા અને શહેર પ્રમુખો તેમજ તાલુકા અને નગરપાલિકાના વડાઓ સાથે બેઠકો યોજી હતી અને કાર્યકરોને 2027ની ચૂંટણીમાં ભાજપને હરાવવાનો આત્મવિશ્વાસ આપ્યો અને સંગઠનમાં ફેરફારોની શક્યતા દર્શાવી હતી.
તે બાદ અમદાવાદમાં 8-9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેમાં રાહુલ ગાંધીએ ભાગ લીધો. આ પછી 15-16 એપ્રિલે તેઓ મોડાસામાં આવ્યા, જ્યાં તેમણે ‘સંગઠન સર્જન અભિયાન’નો શુભારંભ કર્યો અને નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક યોજી હતી. 26 જુલાઈએ રાહુલ ગાંધી આણંદમાં આવ્યા હતા, જ્યાં તેમણે નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખો માટે ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે પશુપાલકો અને દૂધ ઉત્પાદકો સાથે પણ સંવાદ કર્યો. આ શિબિરમાં તેમણે ચૂંટણી પંચને “ચીટર અમ્પાયર” ગણાવીને વિવાદ સર્જ્યો અને ગુજરાતને RSSનું કેન્દ્ર ગણાવ્યું હતું.