
સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત, વડનગરના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે પીએમ મોદી આગામી 24-25 ઓગસ્ટના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના નિકોલ ખાતે એક જાહેરસભાને સંબોધશે. તેમજ બેચરાજી અને વડનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પીએમની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે યોજાનારી જાહેરસભા રાજકીય રીતે અત્યંત મહત્વની માનવામાં આવે છે. આગામી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં યોજાનારી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર સભાથી નરોડા, ઠક્કર બાપાનગર, નિકોલ અને દસ્કોઈ જેવી વિધાનસભા બેઠકોને ફાયદો થવાની શક્યતા છે.
પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન બેચરાજી અને વડનગરની પણ મુલાકાત લેશે. તેઓ બેચરાજી નજીક આવેલા સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લઈ શકે છે અને અહીં કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે.
વડાપ્રધાનના વિઝન મુજબ વિકસી રહેલા વડનગરમાં ઐતિહાસિક નગરીને પર્યટન સ્થળ તરીકે વધુ મજબૂત બનાવવાના હેતુથી સ્ક્રૂ 17 કરોડના ખર્ચે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટમાં પાર્કિંગ, વિશ્રામ એરિયા, કાફેટેરિયા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. પીએમ મોદી આ પ્રોજેકટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીના હસ્તે અનેક વિકાસલક્ષી પ્રોજેકટનું લોકાર્પણ થવાની સંભાવના છે.