
બનાસકાંઠાના આલવાડા ગામના દલિત યુવક હિતેન્દ્ર ચૌહાણે પોતાના ગામમાં બેસીને વાળ કપાવવા અંગે ખુશી વ્યક્ત કરતાં આ વાત કહી હતી. હાલમાં જ આલવાડા ગામના દલિત સમાજના લોકોએ તેમની સાથે થતી આભડછેટ સામે લડત આપી ગામમાં વાળંદની દુકાનમાં પહેલીવાર વાળ કપાવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના આલવાડા ગામના વાળંદ દલિત સમાજના લોકોના વાળ નહોતા કાપી આપતા કે દાઢી બનાવી નહોતા આપતા. ગામના યુવાનોએ આ અંગે પોલીસમાં અરજી કરી હતી. ગામના સરપંચ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરે ગામમાં આ પ્રકારનો કોઈપણ પ્રકારનો ભેદભાવ થતો ન હોવાની વાત કરી હતી.
જો કે ગામમાં વાળંદની દુકાન ચલાવતા લોકોએ દલિત સમાજના વાળ કાપવામાં ન આવતા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. તેમજ તેમણે એમ પણ સ્વીકાર્યું હતું કે પોલીસની સમજાવટ બાદ હવે દલિત સમાજના લોકોના ગામમાં વાળ કાપવામાં આવે છે. મુકેશ ચૌહાણે અરજીમાં જણાવ્યું કે તેમના બાળકના અને તેમના વાળ કપાવવાના હતા જેથી તેમણે ગામના વાળંદને ફોન કર્યો હતો. ગામના વાળંદે તેમને દલિત સમાજના હોવાથી વાળ કાપવાની ના પાડી હતી. તેમજ જાતિ સૂચક અપશબ્દો બોલ્યા હતા અને ગાળો આપી હતી.
મુકેશ ચૌહાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “અમારી સાથે સદીઓથી ભેદભાવ થાય છે. માત્ર વાળ ન કાપવાની બાબતમાં જ નહીં પરંતુ આજે પણ અમે ગામમાં કોઈના ઘરે જઈએ તો ઘરની બહાર નીચે બેસાડે તેમજ ગામમાં કોઈ તહેવાર કે તિથિ હોય તો અમારા સમાજના લોકોને ગામના લોકો દૂધ કે છાશ પણ આપતા નથી. ગામમાં કોઈ કાર્યક્રમ હોય અને સમગ્ર ગામનો જમણવાર હોય તો અમને જુદા બેસાડવામાં આવે છે.”
તેઓ વધુમાં કહે છે કે, “મેં વાળંદને વાળ કપાવવા અને દાઢી કરાવવા માટે ફોન કર્યો હતો. પરંતુ તેમણે ના પાડી હતી. જોકે ત્યાર બાદ હું રૂબરૂ પણ તેમની દુકાને ગયો હતો. પરતું તેમણે કહ્યું હતું કે તમારી જાતિના લોકોના અમે વાળ કાપીશું નહીં. ત્યાર બાદ મેં ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.” પોલીસે ગામમાં આવીને સમાધાન કરાવ્યા બાદ મને ફોન કરીને બોલાવીને વાળંદે વાળ કાપ્યા હતા. જોકે આ પરિવર્તન લાંબો સમય ચાલે છે કે નહીં તે અંગે ગામલોકોના દલિતોના મનમાં હજુ સવાલો છે.
આલવાડ ગામના દલિત સમાજના લોકોએ વાળ કપાવવા માટે 30 કિલોમીટર દૂર જવું પડતું હતું. તેઓ માને છે કે માત્ર તેમના ગામમાં જ નહીં પરંતુ આસપાસના એવા કેટલાંય ગામો છે કે જ્યાં આજે પણ દલિત સમાજના લોકોના વાળ ગામના વાળંદ કાપતા નથી. ઉત્તમ ચૌહાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “મેં મારી 35 વર્ષની ઉંમરમાં પહેલી વાર મારા ગામમાં પહેલીવાર વાળ કપાવ્યા છે. મારા માટે ખુશીની વાત છે કે મેં મારા ગામની દુકાનમાં બેસીને વાળ કપાવ્યા. દેશ આઝાદ થયાંને 78 વર્ષ પૂરાં થયાં છતાં હજુ અમારા દલિત સમાજ સાથે થતા ભેદભાવનો અંત આવ્યો નથી. જાહેરમાં નાઈની દુકાન હોવા છતાં અમારા સમાજના લોકોના વાળ કાપવામાં આવતા ન હતા.”
મુકેશ ચૌહાણ જણાવે છે કે, “મેં પહેલી વાર મારા ગામમાં વાળ કપાવ્યા. વાળ કપાવવા કેટલી નાની વાત લાગે પરંતુ અમારા દલિત સમાજે તેના માટે પણ લડાઈ લડવી પડે છે. આ સમાનતા અને સન્માન માટેની લડાઈ છે.” આલવાડા ગામના ભરતભાઈ ચૌહણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “નાઈ સમાજના લોકો વર્ષોથી અમારા વાળ કાપતા ન હતા. અમારા ગામના દલિત સમાજના લોકો 30 કિલોમીટર દૂર ધાનેરા ભાડુ ખર્ચીને વાળ કપાવવા માટે જતા હતા.”
જેસંગ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “અમારા ગામનો મુકેશ ચૌહાણ જે પાલનપુર રહે છે. મુકેશે નાઈનો ફોન કર્યો તો તેમને વાળ ન કાપવાની વાત કરી તેને જાતિવિષયક અપશબ્દો બોલ્યા હતા. મુકેશે અમારા સમાજના લોકોને ભેગા કરીને આ વાત કરી હતી. ત્યાર બાદ અમે લોકોએ ભેગા થઈ વર્ષોથી ચાલ્યા આવતા ભેદભાવ અંગે લડત આપવાનું નક્કી કર્યું હતું.” ભરત ચૌહાણ જણાવે છે કે, “અગાઉ પણ અમે ગામના નાઈને ત્યાં વાળ કપાવવા ગયા હતા. પરંતુ અમને કહેવામાં આવતું હતું કે તમે દલિત છો એટલે અમે તમારા વાળ ન કાપીએ.”
જેસંગ પરમાર જણાવ્યું કે “6 ઑગસ્ટ શનિવારના રોજ પોલીસની ટીમ અમારા ગામમાં આવી હતી. તેમણે ગામના નાઈને બોલાવ્યા હતા. ત્યાર બાદ અમારા સમાજના લોકોને બોલાવ્યા હતા. પોલીસની હાજરીમાં એક વ્યક્તિના વાળ કાપ્યા અને બાદમાં નાઈએ પોતાની દુકાન બંધ કરી અને ઘરે જતા રહ્યા હતા. ત્યાર બાદ પાંચ દિવસ સુધી તેમને દુકાન ખોલી જ નહીં. આ અંગે અમે પોલીસને જાણ કરી હતી. પોલીસે બીજી વાર આવીને ગામમાં સમાધાન કરાવ્યું હતું. ત્યાર બાદ ચાર પાંચ લોકોના વાળ કાપવામાં આવ્યા છે.”
જશુ ચૌહાણ કહે છે કે, “આઝાદ થયા બાદ ગુજરાતમાં દલિત સમાજના લોકો સાથે ભેદભાવનો ઉકેલ આવ્યો નથી. ધાનેરા તાલુકાની જ વાત કરીએ તો હજુ પણ કેટલાંય ગામોમાં વાળ કાપવામાં આવતા નથી. આ સિવાય અન્ય પ્રકારના પણ ભેદભાવ રાખવામાં આવે છે.” મુકેશ ચૌહાણને શંકા છે કે આ પરિવર્તન કેટલું લાંબું ટકશે. તેઓ કહે છે કે “હાલ તો વાળ કાપવામાં આવ્યા છે. અમને ખબર નથી કે આગળ આ ચાલુ રહેશે કે નહીં.”
ગામના દલિત સમાજનાં વાદળીબહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “પહેલા ગામના કોઈ વડીલ આવે તો અમે તેમના રસ્તામાં સામે પણ આવી શકતાં ન હતાં. એક એક કલાક ઊભા રહેવું પડતું હતું. તેમજ સારાં કપડાં પણ પહેરીએ તો પણ બબાલ થતી હતી. જોકે તેમાં સુધાર આવી રહ્યો છે. પરંતુ હજુ પણ અમારી સાથે કેટલીય બાબતોમાં આભડછેટ તો રાખવામાં આવે જ છે.”
બનાસકાંઠાનાં અનેક ગામોમાં હજુ પણ આ પ્રકારનો ભેદભાવ થતો હોવાનું માનવામાં આવે છે, સામાજિક કાર્યકર ચેતન ડાભીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ” માત્ર આલવાડામાં જ નહીં પરંતુ બનાસકાંઠાના મોટાભાગનાં ગામોમાં આ સમસ્યા છે. દલિતોને વાળ કપાવવા માટે 30 કિલોમીટર દૂર જવું પડે છે. તેમજ કેટલીક વાર તો તેમને તેમની ઓળખ પણ છુપાવવી પડે છે.”
ધાનેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “આલવાડા ગામમાં વાળંદ દ્વારા દલિત સમાજના લોકોના વાળ કાપવામાં આવતા નથી તેવી અમને અરજી મળી હતી. આ અંગે અમે ગામમાં જઈને તપાસ કરતાં જાણવા મળ્યું કે ગામમાં વાળંદ દ્વારા દલિત સમાજના લોકોના વાળ કાપવામાં આવે છે. ગામમાં કોઈ પણ પ્રકારનો ભેદભાદ રાખવામાં આવતો હોવાની વાત ધ્યાને આવી નથી.”
જોકે ગામના વાળ કાપતા નાઈ સમાજના લોકોએ સ્વીકાર કર્યો છે કે તેમના ગામમાં દલિત સમાજના લોકોના વાળ કાપવામાં આવતા ન હતા. પોલીસે સમાધાન કરાવ્યા બાદ વાળ કાપવાના શરૂ કરવામાં આવ્યા છે. ગામનાં સરપંચ વર્ષાબહેન ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “અમારા ગામમાં દરેક લોકો હળીમળીને સાથે રહે છે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી.”
ગામના આગેવાન સુરેશ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે દલિત સમાજના યુવાનોએ મને જણાવ્યું કે નાઈ સમાજ દ્વારા અમારા વાળ કાપવામાં આવતા નથી. અમે નાઈ સમાજના આગેવાનો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે વાળ કાપીએ જ છીએ. પરંતુ તેમ છતાં જો કોઈએ ના પાડી હોય તો હવે ના પાડશે નહીં અને દરેક સમાજના લોકો વાળ કપાવવા આવી શકશે. પોલીસે અમારા ગામમાં આવીને તેમની સામે જ વાળ કપાવ્યા હતા.”
ગામમાં કાર્યક્રમમાં દલિત સમાજના લોકોને અલગ બેસાડવામાં આવે છે તેમજ અન્ય પ્રકારના પણ ભેદભાવ રાખવામાં આવે છે તે અંગેના આક્ષેપ અંગે વાત કરતાં ગામના આગેવાન સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમારા ગામમાં સૌ ભાઈચારાથી સાથે રહે છે. તેમ છતાં કોઈપણ પ્રકારના મતભેદ કે મનભેદ હશે તો અમે દરેક સમાજના લોકો સાથે મળીને બેસીને આ અંગે ઉકેલ લાવીશું.”
આલવાડા ગામના વાળ કાપવાની દુકાન ચલાવનાર બે નાઈ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. દલિત સમાજના લોકોના ગામમાં વર્ષોથી વાળ કાપવામાં આવતા ન હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. દિલીપ નાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “ગામના લોકોને સમસ્યા હતી એટલે અમે દલિત સમાજના લોકોના વાળ કાપતા ન હતા. પરંતુ હવે સમાધાન થઈ ગયું છે. અમે હવે દલિત સમાજ સહિત બધા જ સમાજના લોકોના વાળ કાપીએ છીએ.”
વાળ કાપવાની દુકાન ચલાવનાર દિનેશ નાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “વર્ષોથી ગામમાં પરંપરા હતી જેથી અમે દલિત સમાજના લોકોના વાળ કાપતાં ન હતા. દલિત સમાજના લોકોના વાળ કાપવા અંગે અમને ગામના કોઈ લોકોએ ના પાડી નહોતી. પરંતુ ગામમાં વર્ષોથી દલિત સમાજના લોકોના વાળ કપાવામાં આવતા ન હતા. આ રિવાજ ચાલ્યો આવતો હતો એટલે અમે પણ તેમના વાળ કાપતા ન હતા. પરંતુ હવે અમે દરેક સમાજના લોકોના વાળ કાપીએ છીએ.”
દિનેશ નાઈએ વધુમાં જણાવ્યું કે, “ધાનેરાથી પોલીસની ટીમ આવી હતી જેમણે અમને સમજાવ્યા કે સરકારનો નિયમ છે. સમય બદલાયો છે હવે દરેકનું કામ કરવું પડે. પોલીસની ટીમે સમજાવ્યા બાદ અમે હવે દરેક જાતિના લોકોના વાળ કાપીએ છીએ. કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી. અમારો ધંધો પણ સારો ચાલે છે.”