PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે… અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે 5477 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Spread the love

 

PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે 5477 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલવે, અર્બન ડેવલપમેન્ટ, રોડ ઇન બિલ્ડિંગ અને રેવન્યૂ સહિતના વિવિધ વિભાગોના કુલ 22 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે.
તો બીજી તરફ PM મોદી નિકોલમાં જાહેરસભાને સંબોધન કરવાના છે, જેને પગલે AMC અને શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિકોલ વિસ્તારમાં PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે. આ ઉપરાંત PM મોદી એરપોર્ટથી ગાંધીનગર તરફ જાય ત્યારે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરાબ્રિજ સુધી અલગ અલગ 12 જેટલાં સ્ટેજ બનાવાશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
PM મોદી દ્વારા 2,801 કરોડના લોકાર્પણ અને 2,676 કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં રેલવે પ્રોજેક્ટ અંતરગત મહેસાણાથી પાલનપુરની 65 કિમીની રેલલાઈન ડબલિંગ અને બેચરાજીથી રણુજા સુધી 40 કિમીની રેલલાઈનના ગેજ કન્વર્ઝેશનનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદથી રાજકોટ રેલવેલાઇન પર વિરમગામના સોકલી નજીક 70 કરોડના રેલવે અંડરબ્રિજ બનાવવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. ચાંદખેડામાં 66 કેવી સબ સ્ટેશનનું પણ લોકાર્પણ કરાશે.
અમદાવાદના શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજલાઈન નાખવાના 110 કરોડનાં કામ, ચાંદખેડા અને નારણપુરામાં 50 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત થશે. ઔડા દ્વારા 1,500 કરોડથી વધુના ખર્ચે ઔડાના રોડને સિક્સલેન બનાવવામાં આવશે, જેની પણ કામગીરીનું ખાતમુહૂર્ત કરશે.
શહેરના વાડજના રામાપીર ટેકરા ખાતે 133.42 કરોડના ખર્ચે બનાવેલા 1,449 આવાસ તથા 130 દુકાનનું લોકાર્પણ કરશે. સીજી રોડ અને લો ગાર્ડનની આસપાસનો 6.6 કિમીના વિસ્તારને 100 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે, જેમાં સ્કલ્પ્ચર, પ્લે ગાર્ડન એરિયા, ફૂટપાથ, પ્લેસ મેકિંગ સાથે બ્યૂટિફિકેશન કરવામાં આવશે. આ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત વડાપ્રધાન કરશે.
અમદાવાદના સૌથી મોટા કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ અંતર્ગત અસારવા વિસ્તારમાં અમરસિંહ ચૌધરી રેલવે ઓવરબ્રિજ (અસારવા રેલવે ઓવરબ્રિજ) 66 કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા બનાવવામાં આવશે. આ ઓવરબ્રિજની કામગીરી અંગેનું ખાતમુહૂર્ત કરશે. કોર્પોરેશન દ્વારા આ કામગીરી ખાતમુહૂર્ત થયાના એક મહિનામાં શરૂ કરવામાં આવશે. ગિરધરનગર પાસે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે, જેથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેની કામગીરી પૂર્ણ થયા બાદ આ બ્રિજની કામગીરી શરૂ થશે, જેથી લોકોને અવરજવરમાં તકલીફ પડી શકે નહીં. આ બ્રિજ નવો બનાવાથી 1.50 લાખ વાહનચાલકને લાભ મળશે.
PM આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2016-17થી વર્ષ 2024-25 સુધીમાં ભારત સરકાર દ્વારા 8,43,168 આવાસનો લક્ષ્યાંક મળ્યો છે. એ પૈકી કુલ 6,00,932 આવાસનું બાંધકામ પૂર્ણ કરાયું છે. આ ઉપરંત PM આવાસ યોજના અંતર્ગત વર્ષ 2025-26માં સ્પીલ ઓવર આવાસો 2,78,533ના લક્ષ્યાંક સામે 1 એપ્રિલ 2025થી 20 ઓગસ્ટ 2025 સુધીમાં 39,092 આવાસ પૂર્ણ કરવામાં આવ્યાં છે, જ્યારે 2,39,441 આવાસ પ્રગતિ હેઠળ છે, જે આગામી માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. નાણાકીય વર્ષ 2016-17થી 20 ઓગસ્ટ 2025 સુધીમાં 8,936.55 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સીસ યોજના અંતર્ગત શહેરી ગરીબો અને કામદારો સસ્તા ભાડાનાં આવાસો પૂરાં પાડવા વર્ષ 2020માં જાહેરાત કરવામાં આવી હતી. એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ (ARHCs) નીતિ જાહેર થયાથી ત્રણ માસમાં જ સુરતના સુડા વિસ્તારના નિર્માણ પામેલા 393 આવાસોને મોડેલ-1 અંતર્ગત ભાડાના મકાનમાં રૂપાંતરિત કરી પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.
ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ (GHTC) અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેક્ટ અમલીકરણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાંથી પસંદ કરવામાં આવેલાં 6 રાજ્ય પૈકી ગુજરાતનો સમાવેશ થયો છે. ગુજરાતના રાજકોટ શહેરમાં 1,144 આવાસ ટનલ ફોર્મવર્ક દ્વારા મોનોલિથિક કોંક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીના ઉપયોગથી નિર્માણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે નિકોલમાં PM નરેન્દ્ર મોદી મોટી સંખ્યામાં લોકોને સંબોધન કરશે. એને લઇને સમગ્ર નિકોલને લાઇટિંગથી શણગારવામાં આવશે. નિકોલ વિસ્તારમાં 22 જેટલા સર્કલોને લાઈટથી શણગારવામાં આવશે. PM મોદીને આવકારતાં વિવિધ બેનરો પણ લગાવવામાં આવશે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વિવિધ થીમ સાથેના બેનરો નિકોલ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવશે.
પૂર્વ વિસ્તારમાં બ્રિજો અને બિલ્ડિંગોને પણ લાઇટિંગથી સજાવવામાં આવશે. PM મોદી જ્યારે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર તરફ જાય ત્યારે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરાબ્રિજ સુધી અલગ અલગ 12 જેટલાં સ્ટેજ બનાવવામાં આવશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. PM મોદીનો અમદાવાદમાં લોકાર્પણ અને જાહેરસભાને સંબોધન કરવાના કાર્યક્રમ પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે કરવા પાછળ એક રાજકીય ચર્ચા છે કે આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે.
છેલ્લા કેટલાય સમયથી પૂર્વ વિસ્તારમાં પ્રજાકીય કામોને લઇને નારાજગી જોવા મળી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં PMના જાહેરસભાના કાર્યક્રમ યોજવા પાછળ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખી પૂર્વ વિસ્તારમાં આવતી નરોડા, ઠક્કરબાપાનગર, નિકોલ અને દસ્ક્રોઇ વિધાનસભાને આગામી ચૂંટણીમાં ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં દસ્ક્રોઇ વિધાનસભામાં આવતા નિકોલ વોર્ડમાં છેલ્લા એક વર્ષથી નાગરિકો મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી કામગીરીથી ખૂબ જ નારાજ છે. નિકોલમાં ઠેર ઠેર રોડના ખોદકામ, ગટર ઊભરાની સમસ્યા તેમજ રોડ રસ્તા ખરાબ હોવાને લઇને નાગરિકોમાં ભારે રોષ છે. ભાજપના કોર્પોરેટરો જ્યારે પણ રાઉન્ડ લેવા જાય છે ત્યારે પ્રજાના રોષનો સામનો કરવો પડે છે. આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં નિકોલ વોર્ડમાં ભાજપને ખૂબ મોટું નુકસાન થાય એવી સંભાવનાને પગલે નિકોલમાં PM મોદીની જાહેરસભા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કડી અને સાબરમતી વચ્ચે નવી યાત્રી મેમુ ટ્રેન સેવા તથા બેચરાજીથી કાર-લોડેડ માલગાડીને અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી બતાવી શુભારંભ કરશે. કલોલ-કડી-કટોસણ રોડ મીટર ગેજ સેક્શન 15 સપ્ટેમ્બર 2017ના રોજ બ્રૉડ ગેજમાં રૂપાંતરણ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. લગભગ 8 વર્ષ પછી પહેલીવાર મીટર ગેજથી રૂપાંતરિત બ્રૉડ ગેજ લાઈન પર કડીથી સાબરમતી વચ્ચે પહેલી મેમુ ટ્રેનની શરૂઆત થવા જઈ રહી છે, જેનાથી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના રેલવેયાત્રીઓને સીધો ફાયદો મળશે.
આ ટ્રેન સેવા દૈનિક યાત્રીઓ, વિદ્યાર્થીઓ, ઓફિસે જતા અને સ્થાનિક શ્રમિકો માટે ઝડપી, સુરક્ષિત, વિશ્વાસપાત્ર અને કિફાયતી યાત્રા કરાવશે. અમદાવાદ (સાબરમતી)થી કડી વચ્ચે આ ટ્રેન અત્યંત લાભકારક સિદ્ધ થશે, જ્યાં હાલમાં અમદાવાદથી કડી સુધીનું બસ ભાડું રૂ. 80થી રૂ.150 તથા ટેક્સી ભાડું રૂ. 800થી રૂ. 1200ની વચ્ચે છે અને યાત્રામાં સમય 1.5થી 2 કલાક સુધી થાય છે, ત્યાં આ ટ્રેનસેવા યાત્રીઓનો સમય અને પૈસા બંને બચાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *