
કર્ણાટકના ધર્મસ્થળમાં અનેક મૃતદેહોને દફનાવવાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. રાજ્ય સરકારની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ કેસમાં ફરિયાદીની ધરપકડ કરવામાં આવી છે. આ જ વ્યક્તિ પર છેલ્લા બે દાયકામાં ધર્મસ્થળમાં અનેક હત્યાઓ, બળાત્કાર અને મૃતદેહોને દફનાવવાનો આરોપ હતો. અહેવાલો અનુસાર, SIT ચીફ પ્રણવ મોહંતીએ શુક્રવારે મોડી રાત સુધી ફરિયાદીની પૂછપરછ કરી હતી. શનિવારે સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નિવેદન અને દસ્તાવેજોમાં વિસંગતતાઓ જોવા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદી મંદિરમાં પૂર્વ સફાઈકર્મી હતો.
તેણે દાવો કર્યો છે કે તેણે 1995 થી 2014 દરમિયાન મંદિરમાં કામ કર્યું હતું અને તેને મહિલાઓ અને સગીરો સહિત અનેક મૃતદેહોને દફનાવી ઠેકાણે પાડવા માટે મજબુર કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક મૃતદેહો પર યૌન શોષણના નિશાન હતા. તેમણે આ સંદર્ભમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ આપ્યું હતું. સફાઈકર્મીની ફરિયાદ પર જુલાઈમાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 19 જુલાઈના રોજ, કર્ણાટક સરકારે આ કેસની તપાસ માટે એક SITની રચના કરી. ફરિયાદીના નિવેદનના આધારે, ટીમે 13 સ્થળોએ ખોદકામ કર્યું. આ દરમિયાન, એક હાડપિંજર અને કેટલાક માનવ હાડકાં મળી આવ્યા હતા.
નેત્રાવતી નદીના કિનારે આવેલું ધર્મસ્થળ મંદિરઃ ધર્મસ્થળ મંદિર કર્ણાટકના મેંગલુરુ નજીક નેત્રાવતી નદીના કિનારે આવેલું એક ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. આ મંદિર ભગવાન શિવનું એક સ્વરૂપ શ્રી મંજુનાથનું છે. અહીં એક ખાસ વાત એ છે કે મંદિરની પૂજા હિન્દુ પુજારીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ મંદિરનું સંચાલન જૈન ધર્મના લોકો દ્વારા કરવામાં આવે છે. આ મંદિર હિન્દુ અને જૈન ધર્મના મિલનનું ઉદાહરણ છે. અહીં દરરોજ હજારો લોકો દર્શન માટે આવે છે. મંદિરમાં મફત ભોજન (અન્નદાન), શિક્ષણ અને મેડીકલ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
આરોપીએ શું નિવેદન આપ્યું તે વાંચો: 1998 થી 2014 દરમિયાન મંદિરમાં કામ કર્યું હતું. તેણે દફનાવવામાં આવેલા અવશેષોના ફોટોગ્રાફ્સ અને પુરાવા પોલીસને સોંપ્યા હતા. તેણે કહ્યું હતું કે, હું હવે આગળ આવી રહ્યો છું કારણ કે પસ્તાવો અને પીડિતોને ન્યાય મેળવવાની લાગણી મને શાંતિથી જીવવા દેતી નથી. 1998માં, સુપરવાઇઝરે પહેલીવાર તેમને મૃતદેહોને ચુપચાપ ઠેકાણે પાડવા કહ્યું. જ્યારે તેણે ના પાડી, ત્યારે તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. 2014માં, તેના સગીર સંબંધીનું જાતીય શોષણ થયું હતું, જેના પગલે તે તેના પરિવાર સાથે ધર્મસ્થળ છોડીને ભાગી ગયો હતો અને એક નામ બદલીને બીજા રાજ્યમાં રહેવા લાગ્યો હતો. આરોપીઓ ધર્મસ્થળ મંદિર વહીવટ સાથે સંકળાયેલા ખૂબ જ પ્રભાવશાળી લોકો છે, જેઓ તેમનો વિરોધ કરનારાઓને ખતમ કરી નાખે છે. તે પોલીગ્રાફ ટેસ્ટ અને વૈજ્ઞાનિક તપાસ માટે પણ તૈયાર હતો.