
રાજકોટ-મોરબી રોડ પર રતનપર ગામ નજીક વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાની વારંવાર મળતી ગ્રામજનોની ફરિયાદને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOGએ સર્ચ કર્યું હતું. પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવી રતનપર, હડાળા, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં પાસપોર્ટ અને વિઝા ચેક કરી NCBને સાથે રાખી સર્ચ કરવામાં આવ્યુંછે. જેમાં શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. કુલ 150 જેટલા વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી છે.
રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર સંજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સવારથી વિદેશી વિદ્યાર્થીઓ અંગે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતા વિદેશી વિદ્યાર્થીઓ મોરબી રોડ પર રતનપર, હડાળા, ગૌરીદળ અને જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા હોવાની માહિતી છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની ફરિયાદ વારંવાર ગ્રામજનો દ્વારા કરવામાં આવતી હોવાથી આજે NCB ટીમને સાથે રાખી અલગ અલગ 6 ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિદેશી નાગરિકના પાસપોર્ટ અને વિઝા વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ 150થી વધુ વિદ્યાર્થીઓ હોવાની માહિતી મળી છે. જેમને ચકાસવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ જગ્યાએથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી. વિદેશી વિદ્યાર્થીઓ જે ઘરમાં રહે છે તેમની અંદર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોઈ ઘરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થીઓ પાસેથી પુરા થઇ ગયેલા વિઝા કે પાસપોર્ટ અંગે માહિતી મળશે તો આ લોકોને પોલીસ સ્ટેશન લઇ જઈ પુછપરછ પણ કરવામાં આવશે. જો ગેરકાયદે કોઈ રહેતા હોવાનું જણાશે તો તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી રોડ પર આવેલ રતનપર ગૌરીદડ અને હડાળા ગામના રહેવાસીઓ દ્વારા પોલીસ કમિશનરને રૂબરૂ મળી આ વિસ્તારમાં વિદેશી નાગરિકોનો ત્રાસ હોવા અંગે તેમજ તેઓ ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોવા અંગે ફરિયાદ અરજી લેખિતમાં કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખી રાજકોટના નવનિયુક્ત ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સૂચના આધારે આજ રોજ વહેલી સવારથી ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.