
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ રસ દેખાડી રહ્યા છે. તેઓ પુતિન અને ઝેલેન્સ્કી બંને સાથે મુલાકાત કરી ચૂક્યા છે અને બંને નેતાઓ વચ્ચે મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે. અમેરકાનું કહેવું છે કે, પુતિન ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરવા નથી માગતા, પરંતુ હવે અમેરિકાએ બંને દેશોને ધમકી આપી છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનેે જ્યારે પૂછવામાં આવ્યું કે, પુતિન ઝેલેન્સ્કી સાથે કેમ મુલાકાત કરવા નથી માગતા? તેના જવાબમાં ટ્રમ્પે સીધું રહ્યું કે, ’પુતિનને ઝેલેન્સ્કી પસંદ નથી, તેથી તેઓ તેમની સાથે મુલાકાત કરવા નથી માગતા. પુતિન સાથે મારી વાતચીત સારી રહી છે. જોકે, આ વચ્ચે ફરીથી હુમલા કરવામાં આવી રહ્યા છે, જે પછી મને ગુસ્સો આવી જાય છે.’
બીજી તરફ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવનું કહેવું છે કે, પ્રમુખ પુતિન યુક્રેન સાથે વાટાઘાટો કરવા તૈયાર છે પરંતુ ઝેલેન્સકી આ કરાર માટે કાયદેસર નથી. તેમણે કહ્યું કે, જ્યારે કરાર પર હસ્તાક્ષર કરવાનો સમય આવશે, ત્યારે એ પણ જોવું પડશે કે તેના પર હસ્તાક્ષર કરનાર વ્યક્તિ કાયદેસર છે કે નહીં. તેમણે કહ્યું કે યુક્રેનિયન બંધારણ પ્રમાણે ઝેલેન્સકી આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે અધિકાર નથી. બીજી તરફ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો બંને દેશોના નેતાઓ આ મુલાકાતથી અંતર બનાવશે, તો તેના ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.