
ભારતે જમ્મુ અને કાશ્મીરમાં તાવી નદીમાં પૂરની સ્થિતિ અંગે માનવતાવાદી ધોરણે પાકિસ્તાનને જાણ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પગલું ફક્ત માનવતાવાદી સહાયના હેતુથી લેવામાં આવ્યું છે. ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશને રવિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને પૂર વિશે માહિતી આપી હતી. આ પહેલી વાર છે જ્યારે હાઇ કમિશન દ્વારા આવી માહિતી શેર કરવામાં આવી હોય.
સામાન્ય રીતે, સિંધુ જળ સંધિ હેઠળ, બંને દેશોના જળ કમિશનરો વચ્ચે પૂરની ચેતવણીઓ શેર કરવામાં આવતી હતી. આ વર્ષે મે મહિનામાં ભારતના ઓપરેશન સિંદૂર પછી, બંને દેશો વચ્ચે વાતચીત લગભગ બંધ થઈ ગઈ છે. રવિવારે સવારે 8:30 વાગ્યા સુધી 24 કલાકમાં જમ્મુમાં 190.4 મીમી વરસાદ પડ્યો હતો, જે છેલ્લા 100 વર્ષમાં ઓગસ્ટ મહિનામાં બીજો સૌથી વધુ વરસાદ છે. અગાઉ, 1926 ના ઓગસ્ટ મહિનામાં 228.6 મીમી વરસાદ પડ્યો હતો, જે છેલ્લા 100 વર્ષમાં સૌથી વધુ છે.
પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે ભારતે સંધિ હેઠળ માહિતી પૂરી પાડી હતી આજે, પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને સંભવિત પૂર વિશે જાણ કરી છે. જીઓ ન્યૂઝ અને ધ ન્યૂઝ ઇન્ટરનેશનલે સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ભારતે 24 ઓગસ્ટની સવારે જમ્મુમાં તાવી નદીમાં પૂરની શક્યતા અંગે ઇસ્લામાબાદને ચેતવણી આપી હતી. પહેલગામ હુમલા બાદ ભારતે સંધિ રદ કરી દીધી હતી. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે 1960માં પાકિસ્તાન સાથે થયેલી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી.