
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ-ભૂસ્ખલનથી તબાહીનું તાંડવ સર્જાયુ છે.માતા વૈષ્ણોદેવી રૂટ પર સર્જાયેલા ભુસ્ખલનમાં 33 લોકોના મોત નીપજયા હતા. જેમાં મોટાભાગનાં શ્રધ્ધાળુ હોવાની આશંકા છે. હજુ અનેક કાટમાળ હેઠળ દબાયેલા હોવાથી મૃત્યુંઆંક વધવાની ભીતિ સેવવામાં આવી રહી છે.ફોન-ઈન્ટરનેટ સહિતની સંચાર વ્યવસ્થા બંધ થવાથી ભારે મુશ્કેલી છે અનેક ટ્રેનો પણ રદ કરી નાખવામાં આવી છે. પર્વતીય-પ્રવાસન રાજય એવા જમ્મુ-કાશ્મીરમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી આફતની હાલત સર્જાઈ છે જમ્મુ-કટરાથી વૈષ્ણોદેવીના માર્ગે અધવચ્ચે જ અર્ધકુંવારી ક્ષેત્રમાં ભયાનક ભૂસ્ખલન સર્જાયુ હતુ. તેમાં 30 લોકોનાં મોત નીપજયા હતા અને 27 ઘાયલ હતા.કાટમાળ હેઠળ હજુ અનેક લોકો દબાયેલા હોવાની આશંકાથી યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
સતાવાર સુત્રોએ કહ્યું કે બચાવ કામગીરીમાં સૈન્ય જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ફસાયેલા લોકોને ઉગારવા માટે સૌથી હેલીકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જમ્મુનાં પોલીસ વડા પરમવીરસિંહે કહ્યું કે ભૂસ્ખલનમાં 30 ના મોત થયા છે જયારે એક કાર તણાઈ જતાં ત્રણ લોકો તણાઈ ગયા હતા. આ ત્રણમાંથી બે શ્રધ્ધાળુઓ રાજસ્થાન તથા એક આગ્રાના હતા. એકધારા ભારે વરસાદથી માર્ગો પુલો ઘસી જવા સાથે પૂરની હાલત સર્જાઈ છે. ભારે વરસાદ પુર જેવા પાણી તથા ભૂસ્ખલનને કારણે જમ્મુનો સંપર્ક દેશનાં અન્ય ભાગો સાથે કપાઈ ગયો છે. માર્ગ અને રેલસેવા પણ બંધ થઈ છે. જમ્મુની 20 ટ્રેનો રદ કરી નાખવામાં આવી છે. ચિનાબ તથા ઉજજ સહીત તમામ નદી ખતરાની સપાટીથી ઉંચા સ્તરે હોવાથી લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સતત વરસાદથી અનેક માર્ગો-બ્રિજ પણ તણાઈ ગયા છે.
જમ્મુમાં પૂરની હાલતથી નિચાણવાળા ભાગોમાંથી 3500 લોકોને સુરક્ષીત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જમ્મુનાં સીનીયર અધિકારીએ કહ્યું કે તંત્ર બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે. માતા વૈષ્ણોદેવી માર્ગે ભુસ્ખલનમાં બચાવ કામગીરી ઉપરાંત જમ્મુમાં પૂર સ્થિતિને કારણે બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જીલ્લા તંત્ર, પોલીસ એનડીઆરએફ એસડીઆરએફ ઉપરાંત સૈન્ય જવાનો પણ રાહત બચાવ કામગીરીમાં સામેલ છે. જમ્મુ ક્ષેત્રમાં તમામ નદી ગાંડીતુર થતા પૂર સ્થિતિથી સમગ્ર માળખાકીય સુવિધા અસ્તવ્યસ્ત નારાજ થઈ છે. મોટા પથ્થરો ઝાડ પડતા અને મકાનો-માર્ગો તણાયા હતા તેમાં ચાર લોકોનાં મોત થયા હતા. કાશ્મીરનાં મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાએ કહ્યુ કે સંચાર વ્યવસ્થા ખોરવાયેલી છે જે ફરી શરૂ કરવા પ્રયાસો છે અનેક સ્થળોએ ઓપ્ટીકલ ફાઈબરને નુકશાન થતા ફોન-નેટ સેવા ઠપ્પ થઈ ગઈ હતી.