
સમગ્ર ઉત્તર ભારત હાલમાં કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે, ત્યારે હિમાચલ પ્રદેશમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે બિયાસ નદીમાં ભયાનક પૂર આવ્યું છે, જેણે મનાલી અને મંડી જેવા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. પૂરના કારણે અનેક પુલ, રસ્તાઓ અને હાઈવે તણાઈ ગયા છે, જેનાથી હજારો પ્રવાસીઓ ફસાયા છે.
હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ મનાલીમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. મનાલીના ધુન્ધી અને અંજચની મહાદેવમાં વાદળ ફાટવાથી બિયાસ નદીનું જળસ્તર ભયજનક રીતે વધી ગયું છે. આ પૂરના કારણે ઓલ્ડ મનાલીને જોડતો ઐતિહાસિક પુલ તૂટી ગયો છે. નદીના પ્રવાહ એટલો તેજ છે કે તેણે ફોરલેન અને હાઈવેનો મોટો ભાગ પોતાની સાથે ખેંચી લીધો છે, જેના કારણે મનાલીથી બહાર નીકળવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
હજારો પ્રવાસીઓ હાલમાં મનાલીના હોટલોમાં ફસાયેલા છે. નદી કિનારે આવેલા હોટલોને ખાલી કરી દેવામાં આવી છે. આ પૂરનો પ્રકોપ એ હદે ગંભીર છે કે, મનાલીનું જાણીતું રેસ્ટોરન્ટ ’શેર-એ-પંજાબ’ અને તેની બાજુમાં આવેલી ચાર દુકાનો પણ પાણીના પ્રવાહમાં વહી ગઈ છે. આ ઉપરાંત, મનાલીનો વોલ્વો બસ સ્ટેન્ડ પણ જોખમમાં છે. સ્થાનિક પ્રશાસન અને હોટેલિયર્સ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
મંડી જિલ્લામાં પણ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં બિયાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીનું પાણી તેના કિનારા વટાવીને અનેક જગ્યાઓ પર ઘરો અને ખેતરોમાં ઘૂસી ગયું છે. મંડી શહેરમાં બિયાસ નદીના કિનારે આવેલું આશરે 300 વર્ષ જૂનું અને ઐતિહાસિક પંજવક્તર મહાદેવ મંદિર મોટા ભાગે પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
એક તરફ પૂરનો કહેર છે, તો બીજી તરફ લાહોલ-સ્પીતિમાં ભારે હિમવર્ષા પણ થઈ રહી છે. શિન્કુલા, બારાલાચા અને અન્ય ઉંચાઈ પર આવેલા પહાડી રસ્તાઓ પર એક ફૂટથી વધુ બરફ પડવાને કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે, જેનાથી સેંકડો પ્રવાસીઓ ત્યાં પણ ફસાયેલા છે. ભારતીય હવામાન વિભાગે હિમાચલના મંડી, કાંગડા, ચંબા અને કુલ્લુ જિલ્લા માટે રેડ એલર્ટ જારી કર્યું છે.