
ચુંટાયેલા પ્રતિનિધિ સામે જનતાનો આક્રોશ હવે વધવા લાગ્યો છે અને ખાસ કરીને પુરુ કે પછી વરસાદના કારણે ભંગાર બનેલા માર્ગો સહિતના મુદે અનેક વખત આક્રોશ દર્શાવે છે તેમાં બિહારમાં નીતિશ સરકારના મંત્રી મંગલ પાંડે પર હુમલા બાદ બીજા એક મંત્રી શ્રવણકુમારના કાફલા પર પણ હુમલો થયો છે. નાલંદા જીલ્લામાં મંત્રી શ્રવણકુમાર પ્રવાસ પર હતા તે સમયે અહી સર્જાયેલા એક અકસ્માત અને તેમાં 9ના મૃત્યુથી જબરો આક્રોશ હતો. મંત્રી શ્રવણકુમાર મૃતકોના પરિવારને દિલાસો આપવા પહોંચ્યા હતા પણ લોકોના ટોળાએ તેને ઘેરી લીધા અને મંત્રીની સાથે સ્થાનિક ધારાસભ્ય કૃષ્ણ મોરારી ઉર્ફે પ્રેમ મુખીયા પણ હતા.
તેઓ પરિવારજનોને મળીને પરત ફર્યા બાદ ટોળાએ બન્નેને ઘેરી લીધા હતા. અકસ્માતના મૃતકોના કુટુંબીજનોને સહાય મળશે તેવી જાહેરાત થવા છતા હજું કોઈ સહાય નહી પહોચતા ગ્રામ્યજનો ઉશ્કેરાયા અને મંત્રી તથા તેના સાથી ધારાસભ્યો પર હુમલો કરવા તૈયારી હતી. પરીસ્થિતિ પારખી જતા મંત્રી શ્રવણકુમાર અને ધારાસભ્ય ભાગવા લાગ્યા હતા અને ગ્રામ્યજનો તેમની પાછળ દોડયા. મંત્રીને લગભગ એક કિલોમીટર દોડવું પડયું. વચ્ચે આવેલા પોલીસ કર્મચારીઓને પણ ગ્રામ્યજનોએ માર્યા અંતે મંત્રીના ડ્રાઈવરે તેમની કાર આગળ કરી મંત્રીને તેમાં બેસાડીને બચાવી લીધા હતા.