





ચોમાસાના વરસાદથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ તબાહી મચી રહી છે. વરસાદની તસવીરો ખૂબ જ ભયાનક છે. શીખ તથા સિંધી ધર્મના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનો એક ઐતિહાસિક કરતારપુર સાહિબ કોરિડોર પણ રાવી નદીના પૂરના પાણીમાં આંશિક રીતે ડૂબી ગયું છે.
પાકિસ્તાનનો પંજાબ પ્રાંત એક દાયકાથી વધુ સમયના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યો છે.
પંજાબના નારોવાલ જિલ્લાની તસવીરોમાં, ગુરુદ્વારા દરબાર સાહિબ સંકુલ પાણીમાં ડૂબેલું જોવા મળે છે. સફેદ આરસપહાણથી બનેલું સંકુલ ત્રણથી ચાર ફૂટ સુધી પાણીથી ભરેલું છે.
ગુરુદ્વારાના ગર્ભગૃહમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા છે. જોકે, અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ગુરુ ગ્રંથ સાહિબ જીના પવિત્ર સ્વરૂપ અને સેવાદારોને સુરક્ષિત રીતે પહેલા માળે ખસેડવામાં આવ્યા છે. જો પરિસ્થિતિ વધુ વણસે તો બચાવ ટીમો તેમને બહાર કાઢવા માટે તૈયાર છે. પૂરને કારણે કરતારપુર કોરિડોર બંધ કરવો પડ્યો છે.
આ ગુરુદ્વારા પાકિસ્તાનને ભારતના પંજાબમાં ગુરદાસપુર જિલ્લા સાથે જોડે છે અને યાત્રાળુઓને વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. ગુરદાસપુરના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરિડોરના કેટલાક ભાગો પાણીમાં ડૂબી ગયા છે અને કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનના લાહોર, કસૂર, સિયાલકોટ, ફૈસલાબાદ, નારોવાલ અને ઓકારામાં બચાવ કામગીરીમાં મદદ કરવા માટે સેનાને બોલાવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાવી નદીનું પાણીનું સ્તર લાહોરમાં 1955 પછી અને શાહદરામાં 1988 પછીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે.
રેકોર્ડબ્રેક વરસાદ અને ભારત દ્વારા બંધમાંથી પાણી છોડવાથી પણ પાકિસ્તાનમાં પૂર સંકટ વધુ વકરી ગયું છે. જસ્સર ખાતે, રાવી નદી 2,00,000 ક્યુસેકથી વધુ ઝડપે વહી રહી છે, અને તેનો પ્રવાહ રાતોરાત લાહોરના શાહદરામાં તેની ટોચ પર હતો.