
હવામાન વિભાગે આગામી 7 દિવસ, એટલે કે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે, જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે. આથી દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આજે (30 ઓગસ્ટ) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
29 ઓગસ્ટના રોજ સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઈંચ અને સૌથી ઓછો છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. નડિયાદમાં પણ વહેલી સવારથી પડી રહેલા વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. સુરતમાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં પાણીની ભારે આવક થતાં માંગરોળના શેઠી ગામનો લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સાથે જ મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં વધુ બે દરવાજા ખોલી કુલ ચાર દરવાજા દ્વારા પાણી સાબરમતીમાં છોડાવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા અપીલ કરી હતી.