2006માં પકડાયેલ 14 વર્ષના સગીરને 18 વર્ષે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે નિર્દોષ છોડ્યો, પૂરતા પુરાવાનો અભાવ

અમદાવાદ
અમદાવાદના જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે 18 વર્ષ બાદ આતંકી પ્રવૃત્તિ સંદર્ભે ઝડપાયેલા આરોપીને નિર્દોષ છોડ્યો છે. જ્યારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારે તેની ઉંમર 14 વર્ષની હતી. સગીર જમ્મુ કશ્મીરના રાજૌરીનો રહેવાસી હતો. તેને વર્ષ 2006માં કાલુપુરના મુસાફર ખાનામાંથી અમદાવાદ DCBએ ઝડપી પાડ્યો હતો. તે જામીન ઉપર મુક્ત હતો, જો કે અમદાવાદ નહીં છોડવાની શરત હતી.
આરોપી સુરતના માંડવી વિસ્તારમાં આવેલી મદરેસામા રહીને અભ્યાસ કરતો હતો. આ સાથે જ બીજા આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેઓ જમ્મુ કશ્મીર અને અમદાવાદના રહેવાસી હતા. તેમની ઉપર UAPA, રાજદ્રોહ અને IPCની કલમો લાગી હતી. તેમની ઉપર આક્ષેપ હતો કે, વર્ષ 2002ના ગુજરાત રમખાણોનો બદલો લેવા તેઓ ગુજરાતના મુસ્લિમ યુવકોને ભડકાવીને કાશ્મીર, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના આતંકી કેમ્પોમાં તાલીમ માટે મોકલવા આયોજન કરી રહ્યા હતા. તેમની પાસેથી જેહાદી સાહિત્ય અને CD મળી આવ્યા હતા.
સગીરને પહેલા જેલમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તે સગીર હોવાનું સાબિત થતાં તેનો કેસ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ અમદાવાદ ખાતે ચાલ્યો હતો. આ કેસમાં કેટલાક પંચ સાક્ષીઓ ફરી ગયા હતા. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના ત્રણ સભ્યોની પેનલે નોંધ્યું હતું કે, આરોપી સામે પૂરતા પુરાવા નથી અને કેસને શંકાથી રહિત સાબિત કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નીવડ્યું છે.