
બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે બનાવેલા મંચ પરથી મોહમ્મદ રિઝવી નામના વ્યક્તિએ પીએમ મોદીને ગાળો દીધી. આની સાથે ઘણા દિવસોથી શાંત રહેલી ભાજપ અચાનક આક્રમક થઈ ગઈ. રસ્તા પર ભાજપ કાર્યકર્તાઓ આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે મંચ પરથી ગૃહમંત્રી અમિત શાહે આને ચૂંટણીનો રંગ આપતા કહ્યું, “જેટલી ગાળો પીએમ મોદીને આપશો, એટલું જ વધુ કમળ ખીલશે.” કોંગ્રેસનું કહેવું છે કે રાહુલની યાત્રાથી ધ્યાન હટાવવા માટે આ ભાજપનું ષડયંત્ર છે. ત્યારે હવે ગુજરાત ભાજપ પણ આ મામલે આક્રમક જોવા મળી રહ્યું છે અને વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. અમદાવાદ શહેર ભાજપ અને યુવા મોરચાએ એલિસબ્રિજ વિસ્તારમાં ટાઉનહોલ પાસે રાહુલ ગાંધીનું પૂતળું બાળી વિરોધ નોંધાવ્યો હતો. શહેર ભાજપ અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસ હાય હાય અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ છે. બિહાર ખાતે કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ જે નિવેદન આપવામાં આવ્યું છે તેને ભાજપ વખોડી રહ્યું છે. 27 ઓગસ્ટે બિહારના દરભંગા જિલ્લામાં રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ માટે સ્વાગત મંચ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બિહાર યૂથ કોંગ્રેસના મોહમ્મદ નૌશાદે આયોજિત કરાવ્યો હતો. અચાનક મોહમ્મદ રિઝવી ઉર્ફે રાજા નામનો શખ્સ મંચ પર પહોંચ્યો અને માઇક પરથી પીએમ મોદીને અને તેમની માતાને ગાળો દીધી. જોકે, તે સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર નહોતા.
ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ દરભંગાના ભાજપ જિલ્લા અધ્યક્ષ આદિત્ય નારાયણ ચૌધરીએ સિમરી પોલીસ સ્ટેશનમાં રિઝવી સહિત કેટલાક લોકો વિરુદ્ધ અપમાનજનક ભાષા અને ધાર્મિક લાગણીઓ ભડકાવવાની કલમો હેઠળ FIR નોંધાવી. પોલીસે 28 ઓગસ્ટની રાત્રે આરોપી મોહમ્મદ રિઝવીની ધરપકડ કરી. 29 ઓગસ્ટે પટનામાં ભાજપ કાર્યકર્તાઓ કોંગ્રેસની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા અને બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે લાકડીઓ, ડંડા અને ઇંટ-પથ્થરોથી ઘર્ષણ થયું. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી. સ્વાગત મંચ બનાવનાર મોહમ્મદ નૌશાદે કહ્યું કે આ કોઈ બહારના વ્યક્તિનું કામ છે, જેણે મંચ પરથી પીએમ મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. અમે આવી ભાષાનું સમર્થન નથી કરતા. ભાજપ દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા, ઉપપ્રમુખ દર્શક ઠાકર, યુવા પ્રમુખ વિનય દેસાઈ સહિત યુવા મોરચાના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.