‘એક નંબર, અનેક સેવાઓ’ : ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ – 112 સેવાનો ગૃહમંત્રી અમિત શાહે કરાવ્યો પ્રારંભ

Spread the love

 

ગાંધીનગર, 31 ઓગસ્ટ : રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ‘ડાયલ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ’ તેમજ ગુજરાત પોલીસના નવ નિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો આજે શુભારંભ- લોકાર્પણ કર્યું હતું.

જેમાં ડાયલ ૧૧૨ જનરક્ષક’ પ્રોજેકટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને ૫૦૦ જન રક્ષક વાનનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન ૫૩૪ જેટલી બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રતિકાત્મક રૂપે મહાનુભાવોના હસ્તે પોલીસ વિભાગના ચાલકોને વાહનોની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

 

આ ઉપરાંત ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ. ૨૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન- રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ તેમજ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ IS -૧૫૭૦૦ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે “જનરક્ષક – ૧૧૨”નું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: માત્ર-૧૧૨ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે.સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર સંચાલિત જીપીએસસી આ વાહનો દ્વારા ગુજરાત સરકારે ‘ન્યુ એજ સ્માર્ટ પુલીસિંગ’ની દિશામાં મહત્વના કદમ ઉઠાવ્યા છે.

“જનરક્ષક – ૧૧૨”નું આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ અમદાવાદમાં ૧૫૦ કર્મચારીઓ ૨૪x૭ સેવા આપશે અને રાજ્યના નાગરિકોને સેવા પૂરી પાડશે. ગુજરાતની સુરક્ષા માટેના નવતર મહત્વપૂર્ણ કદમો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીની જોડીને બિરદાવી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારમાંનું રાજ્ય છે.

ગુજરાતનો સાગર કિનારો, કચ્છ કે બનાસકાંઠાની સરહદો પરથી અગાઉના સમયે અનેક અનિચ્છનીય ઘટનાઓ બનતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં ગુજરાતની આ સરહદો અભેદ કિલ્લા જેવી બની છે. આજે ગુજરાત કાયદો વ્યવસ્થામાં નંબર વન ક્રમાંકે છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મિરાબેન પટેલ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, જે.એસ.પટેલ, લક્ષ્‍મણજી ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ, ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે, ઈ.એમ.આર.આઈ. ડાયરેકટર કે. ક્રિષ્ણમ રાજુ સહિત રાજ્યભરમાંથી પોલીસ વિભાગના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ‌, મહાનગરપાલિકાના નગરસેવકો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *