
ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા અને ચીન નેતા સાથે નિકટતા સામે વાંધો ઉઠાવ્યો છે. નાવારોએ કહ્યું,”મોદીનું શી જિનપિંગ અને પુતિન સાથે ઊભા રહેવું શરમજનક છે. ખબર નહીં, તેઓ શું વિચારી રહ્યા છે. અમને આશા છે કે તેઓ સમજશે કે તેમણે રશિયાની જગ્યાએ અમેરિકા સાથે હોવું જોઈએ. આ ઉપરાંત સોમવારે નવારે ભારતીય બ્રાહ્મણો પર રશિયન તેલ ખરીદીને નફાખોરી કરવાનો આરોપ લગાવ્યો હતો”. તેમણે કહ્યું હતું કે ભારતના બ્રાહ્મણો રશિયન તેલમાંથી નફો કમાઈ રહ્યા છે, જેની કિંમત સમગ્ર ભારત ચૂકવી રહ્યું છે. નવારોએ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને યુક્રેન પર હુમલો કરવા માટે એ ચૂકવી રહ્યું છે, તેથી જ તે સૌથી વધુ ટેરિફ ભોગવી રહ્યું છે. આનાથી રશિયા અને અમેરિકાને નુકસાન નથી થઈ રહ્યું, પરંતુ તે સામાન્ય ભારતીયોને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેમણે આ સમજવું જોઈએ. નવારોએ ભારતને “રશિયાનું વોશિંગ મશીન” ગણાવ્યું અને આરોપ લગાવ્યો કે ભારત માત્ર વેપાર અસંતુલન જ નહીં, પરંતુ અમેરિકાનાં હિતોના વિરુદ્ધનાં જોડાણોને પણ મજબૂત બનાવી રહ્યું છે.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે તે મોસ્કોના યુદ્ધ મશીનને મજબૂતી આપી રહ્યું છે. તેમણે ભારતને ખરાબ ખેલાડી ગણાવ્યું. ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતાં બેસન્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની SCO બેઠકને બનાવટી ગણાવી, જોકે તેમણે કહ્યું હતું કે અમેરિકા અને ભારત મજબૂત લોકશાહી છે અને મતભેદો ઉકેલી શકે છે. સોમવારે ચીનના તિયાનજિનમાં SCO બેઠક યોજાઈ હતી. બેઠક પહેલાં ફોટો સેશન દરમિયાન ભારતીય પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે જોવા મળ્યા હતા. ત્રણેય નેતા એકબીજાના હાથ પકડીને પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદી દ્વિપક્ષીય વાટાઘાટો માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની કારમાં મુસાફરી કરી હતી. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી સિક્રેટ વાતચીત થઈ હતી. આ તસવીરો ટ્રમ્પ વિરુદ્ધ ત્રણેય દેશની એકતાના સંકેત તરીકે રજૂ કરવામાં આવી હતી. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પણ આ બેઠકમાં હાજરી આપી હતી.
અગાઉ પણ નવારોએ બ્લૂમબર્ગ ટીવી સાથેના ઇન્ટરવ્યૂમાં રશિયા-યુક્રેન યુદ્ધને મોદીનું યુદ્ધ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદે છે, એને રિફાઇન કરે છે અને ઊંચા ભાવે વેચે છે. આનાથી રશિયાને યુદ્ધ માટે પૈસા મળે છે અને તે યુક્રેન પર હુમલો કરે છે. નવારોએ ચેતવણી આપી હતી કે રશિયા અને ચીન સાથે ભારતના વધતા સંબંધો વિશ્વ માટે ખતરો બની શકે છે. તેમણે કહ્યું, ભારત… તમે સરમુખત્યારોને મળી રહ્યા છો. ચીને અક્સાઈ ચીન અને તમારા ઘણા વિસ્તારો પર કબજો કરી લીધો છે અને રશિયા? ભૂલી જાઓ. તેઓ તમારા મિત્રો નથી. નવારોએ કહ્યું હતું કે જો ભારત આજે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે તો અમેરિકા કાલથી તેના 25% ટેરિફને સમાપ્ત કરશે.