
ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ સંબંધિત બે મોટા મુદ્દાઓ પર આજે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો. એક પીએચડી (Ph.D) ફીમાં વધારો અને બીજો, બોટની વિભાગમાં થયેલી તોડફોડ. આ બંને મુદ્દાઓને લઈને એનએસયુઆઈ (NSUI) દ્વારા યુનિવર્સિટી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એનએસયુઆઈના કાર્યકર્તા વિક્રમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીએ પીએચડીની ફીમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 57% જેટલો વધારો કર્યો છે. વર્ષ 2023માં ફી 4,500 હતી, જે વધારીને 7,900 કરવામાં આવી હતી. હવે, વર્ષ 2025માં આ ફી 7,900થી વધારીને 12,400 કરવામાં આવી છે. આ ફી વધારાથી ગરીબ અને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ બનશે. વિક્રમે આક્ષેપ કર્યો કે, એનએસયુઆઈની માંગ છે કે આ ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, અન્યથા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે. આ ઉપરાંત, ઘણા વિદ્યાર્થીઓએ જૂની ફી ₹7,900 ભરી દીધી હતી, પરંતુ હવે તેમને જાણ કરવામાં આવી છે કે નવી ફી ₹12,400 ભરવાની રહેશે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
આ મુદ્દે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ સ્પષ્ટતા કરી કે, ફી વધારાનો આ નિર્ણય કોઈ નવો નથી, પરંતુ નવા એક્ટ પ્રમાણે ગયા વર્ષે જ એફઆરસી (FRC) દ્વારા ઓક્ટોબર મહિનામાં નક્કી કરવામાં આવ્યો હતો. આ નવી ફીની જાહેરાત નવેમ્બર મહિનામાં જ યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી હતી. VC એ સ્વીકાર્યું કે, વેબસાઇટ પર પીએચડીની ફી ઉપર ‘એસએફઆઈ’ એટલે કે ‘સેલ્ફ ફાઇનાન્સ’ લખાઈ ગયું હતું, જે એક ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક હતી. એનએસયુઆઈએ બોટની વિભાગમાં થયેલી તોડફોડનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેઓએ આક્ષેપ કર્યો કે યુનિવર્સિટીની આંતરિક સુરક્ષા વ્યવસ્થા નબળી છે અને કુલપતિ દ્વારા પોતાના મળતિયાઓને સિક્યુરિટીના પદ પર સેટ કરવામાં આવી રહ્યા છે. એનએસયુઆઈએ માંગ કરી છે કે આવી પ્રાઇવેટ સિક્યુરિટીને બદલે સરકારી સિક્યુરિટીની નિમણૂક કરવામાં આવે. આમ, ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ અને સુરક્ષા બંને મુદ્દે વિદ્યાર્થી સંગઠન અને યુનિવર્સિટી પ્રશાસન વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી.