
હવામાન વિભાગના દ્વારા આગામી 7 દિવસ એટલે કે 2 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં વધારો થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર, ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ બાદથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ સાથે જ, આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. નવરાત્રિના તહેવારની તૈયારી કરી રહેલા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યા છે. સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ, 23 સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. જો હવામાન વિભાગની આ આગાહી સાચી પડશે તો નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે અને ખેલૈયાઓને વરસાદી માહોલમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે. આ કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.