
એડવાન્ટમેડ ઈન્ડિયા એલએલપી કંપનીમાં 3.75 કરોડથી વધુની નાણાકીય છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર ઇન્ફોસિટી ખાતેની બ્રાન્ચના ભૂતપૂર્વ સિનિયર મેનેજર હાર્દિક જગદીશભાઈ પટેલ પર નકલી બિલો બનાવીને કંપનીના નાણાંની ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કંપનીના સીનિયર ડાયરેક્ટર (એચઆર) ગિરીશ મહેશભાઈ ગોપાલાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, એડવાન્ટમેડ ઈન્ડિયા એલએલપી અમેરિકાની હેલ્થપ્લાન કંપનીઓ માટે મેડિકલ રેકોર્ડ તૈયાર કરવાનું કામ કરે છે. આ કામગીરી દરમિયાન કંપની કેટલીક હોસ્પિટલો અને મેડિકલ ઓફિસર્સને તેમની સેવાઓ માટે ચાર્જ ચૂકવે છે. આ પેમેન્ટ કંપનીના ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઇન કરવામાં આવે છે.
આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ફેબ્રુઆરી 2025માં કંપનીના પેમેન્ટ વિભાગના સભ્યોએ એક મેડિકલ ઓફિસર એમન્ડા લી જોન્સ સાથે વાત કરી અને પૂછ્યું કે શું કંપનીને મોકલેલું બિલ પ્રાપ્ત થયું છે. તેના જવાબમાં જોન્સે સ્પષ્ટતા કરી કે તેમણે કંપનીને કોઈ બિલ મોકલ્યું નથી, અને તેઓ તમામ માહિતી મફતમાં આપે છે. જ્યારે કંપનીએ આ મેડિકલ ઓફિસરને તેમના નામે આવેલું બિલ મોકલ્યું ત્યારે તેમણે 11 ફેબ્રુઆરી 2025ના રોજ ઈમેલ દ્વારા પુષ્ટિ કરી કે આ બિલ નકલી છે. આ જ રીતે અન્ય એક મેડિકલ ઓફિસર કિસ્તીના સેરે પણ તેમના નામે આવેલા બિલો ખોટા હોવાનું જણાવ્યું હતું.
આ ઘટના પછી કંપનીએ 4 ડિસેમ્બર 2020થી 11 ફેબ્રુઆરી 2025 સુધીના તમામ પેમેન્ટ અને બિલોની આંતરિક તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં કુલ 241 ખોટા બિલો મળી આવ્યા હતા .આ નકલી બિલો કોપીમશીન, મેડલાઇફ સોલ્યુશન, ચાર્ટસ મેનેજર આઈ.એન.સી., ઇઝીકોપી અને અન્ય નકલી કંપનીઓના નામે બનાવવામાં આવ્યા હતા. જેની વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ નકલી બિલો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ઘણા ઈમેલ એડ્રેસ (જેમ કે copymachine7@gmail.com, copymachine.sup1@gmail.com) અને PAYPAL તથા STRIPE એકાઉન્ટ્સ પર હાર્દિક પટેલનું નામ લખેલું હતું.
આથી કંપનીએ હાર્દિક પટેલના ઓફિશિયલ ઈમેલ આઈડી (Hardik.j.patel@advantmed.com)ની પણ તપાસ કરી હતી. જેમાં મેડલાઇફ કંપનીના નકલી બિલોના ટેસ્ટ (ડેમો) મોકલવામાં આવ્યા હતા અને તમામ જગ્યાએ હાર્દિકનું નામ લખેલું હતું. આ ઉપરાંત, હાર્દિક પટેલના એક્સિસ બેંકના અને તેના સંબંધી મહિલાના બેંકના સ્ટેટમેન્ટમાં પણ PAYPAL અને STRIPE તરફથી મોટી રકમનું પેમેન્ટ આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
આ પુરાવાઓથી સ્પષ્ટ થયું કે, હાર્દિક પટેલે કંપનીના પ્રોવાઈડર આઈડીનો દુરુપયોગ કરીને નકલી કંપનીઓ બનાવી, ખોટા બિલો તૈયાર કર્યા અને તેને સાચા તરીકે રજૂ કરીને કંપની પાસેથી આશરે 3.75 કરોડથી વધુની રકમ મેળવી લીધી હતી. અને તેણે 21 ઓગસ્ટ 2022ના રોજ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ ફરિયાદમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે, રાજીનામું આપ્યા બાદ પણ તેણે કંપનીના કોઈ કર્મચારી સાથે મળીને આ ગુનો કર્યો હોઈ શકે છે. હાલ ઇન્ફોસિટી પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.