
સુરતમાં PCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે. પોલીસને તેની પાસેથી 5 વિઝા સ્ટીકર મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. આરોપી પ્રતિક શાહ સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે અને 2017થી અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયેલા છે. પોલીસ તપાસમાં આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટિકર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. તે એક સ્ટિકર બનાવવાના 15,000 લેતો હતો. આ નકલી સ્ટિકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીએ દસ વર્ષના સમયગાળા દરમિયાન 700 જેટલા બોગસ (નકલી) સ્ટીકર બનાવ્યા છે. આ બોગસ સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જઈ ચૂક્યા છે. પોલીસ હાલમાં આ લોકો કોણ છે તેની તપાસ કરી રહી છે. આ કેસમાં છ એજન્ટોને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસની તપાસ મુજબ આરોપી એકદમ સાચું લાગે તેવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો અને એક સ્ટીકર બનાવવામાં તેને સાત દિવસનો સમય લાગતો હતો. આ બોગસ સ્ટિકર તે કુરિયર મારફતે એજન્ટોને મોકલતો હતો. પોલીસે ઝઘડિયા ચોકડી પાસે આવેલી એક બિલ્ડિંગના ફ્લેટમાં દરોડો પાડી પ્રતિકની ધરપકડ કરી છે, જ્યારે આ રેકેટમાં સામેલ અન્ય છ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે સ્થળ પરથી લેપટોપ, જુદા-જુદા દેશોના વિઝા સ્ટિકર્સ અને અન્ય પરચુરણ સામગ્રી મળીને કુલ રૂ.1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાંદેરના ઝઘડિયા ચોકડી પાસે શ્રીજી નગરી સોસાયટી નજીક આવેલી સમોર રેસિડેન્સીના ફ્લેટ નંબર 202માં પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશ શાહ નામનો વ્યક્તિ બોગસ વિઝા સ્ટિકર્સ બનાવી તેના એજન્ટો મારફતે લોકોને વિદેશ મોકલવાનું રેકેટ ચલાવી રહ્યો હતો.પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરતાં તેના લેપટોપમાં જુદા જુદા દેશોના વિઝા સ્ટિકર્સની ફાઈલો એડિટ થતી જોવા મળી હતી.
પ્રતિકની પૂછપરછમાં કેટલાક આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાં આણંદમાં રહેતો કેતન દીપકભાઈ સરવૈયા, બેંગકોક (થાઈલેન્ડ)માં રહેતો હર્ષ, દિલ્હીમાં રહેતો પરમજીતસિંહ, દિલ્હીમાં રહેતો અફલાક અને સચિન શાહ નામના વ્યક્તિઓ લોકોને વિદેશ મોકલવા માટેના વિઝા આપવાનું કામકાજ કરતા હતા. આ તમામ એજન્ટો વિદેશ જવા ઈચ્છતા લોકો પાસેથી મોટી રકમ લઈને બોગસ સ્ટિકર્સ બનાવીને તેમની સાથે છેતરપિંડી કરતા હતા. પ્રતિક તેમને એક બોગસ વિઝા સ્ટિકર બનાવી આપવા બદલ રૂ. 15,000 લેતો હતો. પૂછપરછમાં પ્રતિકે કબૂલ્યું કે તે આ બોગસ સ્ટિકર્સ બનાવવા માટે જરૂરી હોલમાર્કવાળા પેપર Alibaba.com જેવી વેબસાઈટ પરથી ઓનલાઈન ખરીદતો હતો. ત્યારબાદ તે લેપટોપ અને અન્ય સાધનોની મદદથી પેઇન્ટમાં એડિટિંગ કરી, કલર પ્રિન્ટરથી પ્રિન્ટ કાઢી અને સ્ટિકરના આકારમાં કટિંગ કરીને બોગસ વિઝા સ્ટિકર બનાવતો હતો. આ સ્ટિકર્સ તે કુરિયર મારફતે એજન્ટોને મોકલી આપતો હતો. પોલીસને ફ્લેટમાંથી 5 અલગ અલગ દેશોના વિઝા સ્ટિકર્સ મળ્યા હતા, જેમાં બાબર ડેવિડ અને સિંગ સુમિતના ચેક રિપબ્લિક, નરેશ પટેલના યુકે, ઘાગ અનિલના જર્મની અને સિંધુ શિવાનીના કેનેડાના સ્ટિકર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુકે દેશના પટેલ ચિરાગકુમાર, બોખરીયા વિજય, પટેલ વૈદેહી અને નરેશ પટેલના 5 સ્ટિકર્સ પણ મળી આવ્યા હતા. પોલીસે આ તમામ નકલી વિઝા સ્ટિકર્સ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર SOG અને PCBની ટીમોએ એક સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કરીને પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી UK, CANADA, EUROPE, SERBIA, MACEDONIA જેવા વિવિધ દેશોના ડુપ્લીકેટ વિઝા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. પોલીસે આરોપીના ઘરમાંથી મોટા પ્રમાણમાં નકલી વિઝા બનાવવાનું સેટઅપ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે.
SOG PI એ.પી.ચૌધરી અને PCB PI આર.એસ.સુવેરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાંદેર વિસ્તારમાં સમોર રેસીડન્સી, ફ્લેટ નંબર 202, શ્રીજીનગરી સોસાયટી નજીક, ઝઘડીયા ચોકડી ખાતે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પ્રતિક શાહને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીના ઘરેથી કુલ 1,30,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં અલગ-અલગ દેશના વિઝા સ્ટીકર-5, અલગ-અલગ દેશના વિઝા સ્ટીકરની કલર પ્રિન્ટ-8, ચેક રીપબ્લીક દેશનો સ્ટેમ્પ સિક્કો-1, પેપર કટર-2, UV લેઝર ટોર્ચ-2, એમ્બોઝ મશીન-1,કોર્નર કટર મશીન-2, સ્કેલ-1, અલગ-અલગ ઈન્કની બોટલ-9, યુરોપ દેશના હોલમાર્કવાળા મોટા પેપર-46, કેનેડા દેશના હોલમાર્કવાળા મોટા પેપર-73, યુરોપ દેશના હોલમાર્કવાળા નાના પેપર-107, મેસેડોનિયા દેશના હોલમાર્કવાળા મોટા પેપર-172, સર્બીયા દેશના હોલમાર્કવાળા મોટા પેપર-243, UK દેશના હોલમાર્કવાળા મોટા પેપર-42, મોબાઈલ ફોન-5 (કિંમત 50,000), કલર પ્રિન્ટર: 2 (કિંમત 30,000),HP કંપનીનું લેપટોપ: 1 (કિંમત 50,000) છે.
પ્રતિક શાહ એક રીઢો ગુનેગાર છે અને તેના પર અગાઉ પણ વિઝા સંબંધિત કૌભાંડોમાં ગુનાઓ નોંધાયેલા છે. તેના વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં 9, વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનમાં 1, IGI એરપોર્ટમાં 2 ગુના નોંધાયેલા છે.
અગાઉ 7 દિવસ પહેલાં સ્ટેટ મોનીટરીંગ સેલે વેલંજા વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ચાલતી નકલી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 12 ગ્રામ જેટલું તૈયાર ડ્રગ્સ તેમજ મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવા માટે વપરાતું કેમિકલ મટીરીયલ પણ જપ્ત કર્યું હતું.