
બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ નિમિત્તે બુધવારે ચીનની રાજધાની બેઇજિંગમાં વિક્ટ્રી ડે પરેડ ઊજવવામાં આવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિયાનમેનમાં ભાષણ આપ્યું છે. તેમણે કહ્યું કે ચીનને આગળ વધતા કોઈ રોકી શકે નહીં. તેમણે દુનિયાના દેશોને કહ્યું કે તેઓ યુદ્ધના મૂળ કારણોને ખતમ કરે અને જૂની દુઃખદ ઘટનાઓનું ફરી પુનરાવર્તન થવા ન દે. આ પરેડમાં 10 હજારથી વધુ ચીની સૈનિકો હાજર છે. તિયાનમેન સ્ક્વેરમાં તેમના અધ્યક્ષતામાં આ ત્રીજી મોટી લશ્કરી પરેડ છે. ચીન તેનો ઉપયોગ પશ્ચિમી દેશો સામે ગ્લોબલ સાઉથની એકતા દર્શાવવા અને તેની લશ્કરી શક્તિ દર્શાવવા માટે પણ કરી રહ્યું છે. આ પ્રસંગે ઘણા વિશ્વ નેતાઓ મંચ પર હાજર છે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.
રશિયન રાજ્ય મીડિયા TASS અનુસાર, પુતિને કિમને કહ્યું કે બંને દેશો મૈત્રીપૂર્ણ સંબંધોનો આનંદ માણે છે. તેમણે એમ પણ કહ્યું કે ઉત્તર કોરિયાના સૈનિકોએ રશિયાના કુર્સ્ક પ્રદેશને મુક્ત કરવામાં મદદ કરી અને ત્યાં બહાદુરીથી લડ્યા. બેઇજિંગમાં આયોજિત મિલિટ્રી પરેડમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગ પણ હાજર રહી હતી. પુતિન અને કિમ જોંગ ઉન વચ્ચેની મુલાકાત નક્કી થઈ ગઈ છે.. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. બંને નેતાઓ ટૂંક સમયમાં મળી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન બેઇજિંગમાં વિજય દિવસ પરેડમાં હાજરી આપી હતી. આ પહેલી વાર હતું જ્યારે શી જિનપિંગ, પુતિન અને કિમ જોંગ ઉન એક જાહેર મંચ પર સાથે દેખાયા. શી જિનપિંગે પોતાને વૈશ્વિક નેતા તરીકે રજૂ કર્યા.
રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, પરેડ પૂર્ણ થયા પછી, પુતિન અને કિમ જોંગ ઉન વચ્ચે હવે દ્વિપક્ષીય વાતચીત થઈ શકે છે. અગાઉ, ક્રેમલિનમાં રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર યુરી ઉષાકોવે કહ્યું હતું કે,”કિમ જોંગ ઉન અને પુતિન પરેડ અને રિસેપ્શનમાં સાથે રહેશે. અમને આશા છે કે વાતચીત થશે”. પુતિન અને કિમ છેલ્લે જૂન 2024 માં પ્યોંગયાંગમાં મળ્યા હતા. આ પહેલા કિમે રશિયાની મુલાકાત લીધી હતી અને વ્લાદિવોસ્તોક અને વોસ્ટોચની સ્પેસ સેન્ટરમાં પુતિનને મળ્યા હતા. પહેલી વાર, એરોસ્પેસ ફોર્સ, સાયબરસ્પેસ ફોર્સ અને ઇન્ફર્મેશન સપોર્ટ ફોર્સના સૈનિકોએ ચીનની લશ્કરી પરેડમાં ભાગ લીધો. સંરક્ષણ વિશ્લેષક માઈકલ રાસ્કાના મતે, બેઇજિંગ એ સંદેશ આપવા માંગે છે કે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) હવે ડેટા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સંયુક્ત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરીને ફરીથી બનાવવામાં આવી રહી છે. રાસ્કા સિંગાપોરની નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં મિલિટરી ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામના આસિસ્ટન્ટ પ્રોફેસર છે.
ચીનનો દાવો છે કે તેમણે એશિયામાં જાપાન સામે બીજા વિશ્વયુદ્ધનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ તાઇવાન આ વાતનો ઇનકાર કરે છે. તાઇવાન કહે છે કે તાજેતરના વર્ષોમાં ચીને વારંવાર તથ્યોને ખોટી રીતે રજુ કર્યા છે. તાઇવાનએ કહ્યું કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ જાપાન સામે યુદ્ધ લડ્યું ન હતું અને જ્યારે ચીન જાપાનીઓ સામે લડી રહ્યું હતું ત્યારે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના અસ્તિત્વમાં નહોતું. ચીનની મિલિટ્રી પરેડમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓ જોવા મળ્યા ન હતા. 82 વર્ષીય હુ જિન્તાઓ છેલ્લે ડિસેમ્બર 2022માં ભૂતપૂર્વ જિયાંગ ઝેમિનના અંતિમ સંસ્કારમાં જાહેરમાં જોવા મળ્યા હતા. લગભગ બે મહિના પહેલા, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસ દરમિયાન તેમને અચાનક સ્ટેજ પરથી ઉતારી લેવામાં આવ્યાની ઘટનાએ હેડલાઇન્સ બનાવી હતી. પરેડ સ્થળ પર સુરક્ષા એટલી કડક હતી કે ઘણા રસ્તાઓ અગાઉથી બંધ કરી દેવામાં આવ્યા હતા. પત્રકારોને સવારે 3 વાગ્યા પહેલા ભેગા થવાનું કહેવામાં આવ્યું હતું અને પરેડ શરૂ થાય તેના ત્રણ કલાક પહેલા તેમને તિયાનમેન સ્ક્વેર લઈ જવામાં આવ્યા હતા.
CNN અનુસાર, વિક્ટ્રી ડે પરેડના મહેમાનોની યાદીમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સ્પષ્ટપણે ગાયબ હતું. મોદી બે દિવસ પહેલા જ ચીનમાં હતા પરંતુ તેઓ અન્ય નેતાઓની જેમ ત્યાં રોકાયા ન હતા. અહેવાલ મુજબ, વિજય દિવસ પરેડમાં ભાગ ન લેવો એ મોદીની કૂટનીતિક રણનીતિ છે. પરેડથી દૂર રહીને, મોદી સંદેશ આપી રહ્યા છે કે જ્યાં સુધી ચીન સરહદ પર આક્રમણ ચાલુ રાખશે અને ભારતના મુખ્ય હરીફ પાકિસ્તાનને વ્યૂહાત્મક રીતે ટેકો આપશે ત્યાં સુધી તેઓ ચીન સાથે સામાન્ય સંબંધો રાખી શકશે નહીં. જો તેઓએ આ પરેડમાં ભાગ લીધો હોત, તો તેને ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના મૌન સમર્થન તરીકે જોવામાં આવ્યું હોત. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં પાકિસ્તાને ખરીદેલા 81% શસ્ત્રો ચીન પાસેથી આવ્યા છે. આમાંના ઘણા શસ્ત્રોનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા મે મહિનામાં ભારત સામે પણ કરવામાં આવ્યો હતો. વધુમાં, જાપાનના ઔપચારિક શરણાગતિ પછી, બીજા વિશ્વયુદ્ધના અંતની 80મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારી પરેડમાં મોદીની ભાગીદારીને નવી દિલ્હીના મુખ્ય આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર ટોક્યોમાં નકારાત્મક રીતે જોવામાં આવશે.