
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત પર 50% ટેરિફ લાદ્યો કારણ કે બંને દેશો વચ્ચે લાંબા સમયથી “એકતરફી સંબંધ” હતો. એક પ્રેસ બ્રીફિંગમાં ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકન માલ પર 100% ટેરિફ લાદે છે. આ વિશ્વમાં સૌથી વધુ છે. આના કારણે અમેરિકા અને ભારત વચ્ચેના વેપારમાં અસંતુલન છે. ટ્રમ્પે એક ઉદાહરણ આપતા કહ્યું કે અમેરિકન કંપની હાર્લી ડેવિડસન ભારતમાં મોટરસાયકલ વેચી શકતી ન હતી કારણ કે ભારતે 200% ટેરિફ લાદ્યો હતો. આ કારણે કંપનીએ ભારતમાં જ એક પ્લાન્ટ બનાવ્યો, જેથી તેને હવે ટેરિફ ચૂકવવાની જરૂર ન પડે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા દ્વારા ભારતીય આયાત પર 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ આર્થિક તણાવ વધી ગયો છે અને ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર 25% વધારાના ટેરિફનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પે ફરી એકવાર પોતાની ટેરિફ નીતિનો બચાવ કર્યો, તેને ‘યુદ્ધ-નિરાકરણ શસ્ત્ર’ ગણાવ્યું. તેમણે કહ્યું કે આ નીતિ અમેરિકાને ‘મહાન વાટાઘાટો શક્તિ’ આપે છે. ટ્રમ્પે ટેરિફને વાટાઘાટો માટે એક જાદુઈ હથિયાર ગણાવ્યું અને દાવો કર્યો કે તેમણે તેના દ્વારા 7 યુદ્ધો રોક્યા છે. ટ્રમ્પે બાઈડન પ્રશાસન પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમેરિકા વિશ્વની કરોડરજ્જુ છે અને તેમના પહેલા ચાર વર્ષોમાં તેમણે તેને ખૂબ જ મજબૂત બનાવ્યું, પરંતુ બાઇડન પ્રશાસને તેને નબળું પાડ્યું, પરંતુ હવે તેમની ટેરિફ નીતિને કારણે અમેરિકા આર્થિક રીતે સૌથી શક્તિશાળી બની ગયું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમની ટેરિફ નીતિને કારણે, ઘણી વિદેશી કંપનીઓ હવે અમેરિકામાં પોતાની ફેક્ટરીઓ સ્થાપી રહી છે. તેમણે કહ્યું કે ચીન, મેક્સિકો અને કેનેડાની ઘણી કાર કંપનીઓ અમેરિકામાં નવી ફેક્ટરીઓ બનાવી રહી છે. આનું કારણ એ છે કે ટેરિફ તેમને રક્ષણ આપે છે અને તે જ સમયે તેઓ વધારાના કર ચૂકવવાનું ટાળવા માંગે છે. જ્યારે કંપનીઓ અમેરિકામાં જ ઉત્પાદન કરશે, ત્યારે તેમને ટેરિફ ચૂકવવા પડશે નહીં. તેમણે કહ્યું કે આ પરિસ્થિતિ અમેરિકા માટે ફાયદાકારક છે અને તેથી જ તેમણે ભારત પર કડક ટેરિફ લાદ્યા છે.