
ભારત રશિયા, નેધરલેન્ડ અને બ્રાઝિલમાં નિકાસ વધારવાનું વિચારી રહ્યુ છે. તેનો ઉદ્દેશ્ય ટેરિફ સંબંધિત ચિંતાઓની વચ્ચે સૌથી મોટા બજાર અમેરિકાથી આગળ અન્ય દેશોમાં ઉપસ્થિતિ વધારવા અને વધારાના બજારોથી પરિચિત થવાનો છે. ભારતીય દવા ઉદ્યોગ હાલમાં તો ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફથી મુક્ત છે. પરંતુ ગઇકાલે જ પ્રાપ્ત અહેવાલો અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા ઉદ્યોગ પર પણ ભારે ટેરિફ લાદવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ આ અનિશ્ચિતતાને કારણે આ ક્ષેત્રમાં હાલ ચિંતા છે.
ભારતની દવા નિકાસમાં અમેરિકાનું યોગદાન એક તૃતીયાંશથી થોડુ વધુ છે. તેમાં મુખઅય રુપે લોકપ્રિય દવાઓના સસ્તા જિનેરિક સંસ્કરણ પણ સામેલ છે. સૂત્રોના અનુસાર અમેરિકા ફાર્મા ઉત્પાદનો પર 200 ટકા ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યુ છે. તેને પહેંચી વળવા માટે ભારત અન્ય બજારોમાં ફાર્માની નિકાસ વધારવા પર જોર મુકી રહ્યુ છે. જેમાં મુખ્ય દેશોમાં રશિયા, બ્રાઝિલ, નેધરલેન્ડઝ અને યુરોપ જેવા દેશો સામેલ છે.
ભારતને આશા છે કે નવી દિલ્હીમાં યોજાનાર આગામી આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રદર્શનમાં આ બજારોના નિયમનકારી પડકારોની ચર્ચા કરવામાં આવશે. તેમાં વૈશ્વિક નિયમનકારી હિસ્સેદારોનો પણ સમાવેશ થશે. કારણ કે નિકાસ રાતોરાત વધી શકતી નથી, તેથી આ દેશોમાં નિયમનકારી પડકારોની ચર્ચા કરવામાં આવશે. મુક્ત વેપાર કરાર પછી બ્રિટનમાં નિકાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભારત સરકાર ફાર્માસ્યુટિકલ જૂથો સાથે વાતચીત કરી રહી છે.
બ્રિટન ભારતનું બીજું સૌથી મોટું નિકાસ બજાર છે. તેનું વેચાણ 914 મિલિયન ડોલર છે. બ્રાઝિલમાં 778 મિલિયન ડોલરની દવાઓ વેચાય છે. 2024-25માં નેધરલેન્ડ અને રશિયામાં નિકાસ અનુક્રમે 616 મિલિયન અને 577 મિલિયન ડોલરની રહી હતી. ભારતીય દવા ઉત્પાદકોની હાલની ઉત્પાદન ક્ષમતા સાથે, નવા બજારોમાં નિકાસ 20 ટકા વધવાની ધારણા છે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે, નવા બજારો યુએસમાંથી આવકનો વિકલ્પ બની શકતા નથી, જે હંમેશા ભારત માટે મહત્વપૂર્ણ રહેશે.