
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર સત્તામાં આવ્યા બાદ સતત એવા નિર્ણય લઈ રહ્યાં છે, જેથી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોટી હલચલ જોવા મળી છે. અમેરિકન ફર્સ્ટનો નારો આપનાર ટ્રમ્પનો આ દાવ ઊંઘી અસર દેખાડવા લાગ્યો છે. દુનિયાભરના દેશો પર ટેરિફ થોપવાની તેમની નીતિએ અમેરિકાની અર્થવ્યવસ્થાને મંદીના દરવાજે પહોંચાડી છે.
આ દાવો આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે કર્યો છે.

અમેરિકા મંદીના આરે છે
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણીવાર અમેરિકનોને ખાતરી આપે છે કે તેમના નેતૃત્વમાં યુએસ અર્થતંત્ર અત્યાર સુધીની સૌથી મજબૂત છે. પરંતુ મૂડીઝના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક ઝાંડીએ તેમના દાવા પર સવાલ ઉઠાવ્યા છે અને વાસ્તવિકતા રજૂ કરી છે. જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર GDP વૃદ્ધિ, વિદેશી રોકાણમાં વધારો અને ફુગાવા પર નિયંત્રણને તેની સિદ્ધિઓ ગણાવી રહ્યું છે, ત્યારે માર્ક ઝાંડીએ કહ્યું છે કે વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. તેમના મતે, અમેરિકા હાલમાં નોકરીઓથી લઈને ગ્રાહક ભાવ સુધી દરેક મોરચે ‘રેડ લાઇન’ સ્થિતિમાં છે.

ટ્રમ્પ તંત્રના ખોખલા દાવા
ન્યૂઝવીકને આપેલા ઈન્ટરવ્યુમાં મૂડીઝના ચીફ ઇકોનોમિસ્ટે કહ્યુ કે અમેરિકાની ઇકોનોમીની ખરાબ સ્થિતિને લઈને જે આશંકાઓ ઘણા મહિનાથી વ્યક્ત કરવામાં આવી રહી હતી, તે હવે સાચી પડતી જોવા મળી રહી છે. તેમનું અનુમાન છે કે 2025ના અંત સુધી અમેરિકાની અર્થવ્યવસ્થા મંદીની ઝપેટમાં આવી જશે.