રાજકોટ,તા.3 રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈ-વેનાં કામોમાં થઈ રહેલા અસહ્ય વિલંબની રાજયનાં ખૂદ મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લીધી છે.અને ઉપરોકત કામોમાં થઈ રહેલા લોલંલોલ બદલ સી.એમ.એ હાઈ-વે ઓથોરીટી, અને માર્ગ મકાન વિભાગનાં અધિકારીઓને બરોબરનાં બખડાવી નાંખ્યાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગેની સૂત્રો માંથી મળતી વધુ વિગતો મુજબ ગઈકાલે મુખ્યમંત્રીએ હાઈ-વે અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ઉપરોકત બંન્ને હાઈ-વેની કામગીરીની સમિક્ષા માટે બોલાવ્યો હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલીઆ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈ-વે કે જેનું કામ હજુ સાત વર્ષે પણ પુરૂ થયુ નથી અને માર્ગ મકાન વિભાગ હજુ આ કામ પુરૂ કરવા માટે એક વર્ષ લાગશે.તેવું જણાવી રહ્યુ છે .
જયારે, બીજી તરફ રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈ-વેનું કામ પણ રગડ-ધગડ ચાલી રહ્યું છે તેની ગંભીર નોંધ લીધી હતી.અને જવાબદાર અધિકારીઓનો બરોબરનો ઉઘડો લઈ લીધો હતો. એવી વિગતો પણ જાણવા મળી રહી છે. કે હાઈ-વેનાં આ કામોમાં ઘોર વિલંબ બદલ અમદાવાદની એક એજન્સીને રૂ।-લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આ બાબતે જવાબદાર અધિકારીઓનો, સંપર્ક સાધતા તેઓ માત્ર ગોળ-ગોળ જવાબ આપી શકયા હતાં. અને કઈ એજન્સીને દંડ કરાયો છે તેનું નામ પણ આપવા માટે અસમર્થતા દાખવી હતી.ઉલ્લેખનિય બાબત એ પણ છે કે, સિક્સલેન હાઈ-વેની મંદગતિએ થતી કામગીરીનાં કારણે લોકોને ટ્રાફિકજામ, નાના-મોટા અકસ્માતો સહિતની સમસ્યાઓ લાંબા સમયથી વેઠવી પડી રહી છે.